________________
તા. ૩૧-૫-૧૫૪ : નવાગામ (જાંબુડા)
ડેડકડીથી નીકળી જાંબુડા આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. આગેવાનોએ સામે આવી સ્વાગત કર્યું. રાત્રે સભામાં હાજરી સારી હતી. તા. ૧-૬-૧૯૫૪ : ચિખલી
નવાગામથી નીકળી ચિખલી આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. અમારી સામે જ હરિજન કૂવો હતો. એટલે અમોએ ત્યાંથી પાણી ભર્યું. ગામલોકોને આ ગમ્યું નહિ. હરિજન બાળકો નિશાળમાં આવતાં નથી. રાત્રિ સભામાં મહારાજશ્રીએ અસ્પૃશ્યતા અને ગ્રામસંગઠન વિશે કહ્યું હતું. તા. ૨,૩,૪-૬-૧૯૫૪ : ખડસલી
ચિખલીથી ખડસલી જતાં ગામલોકોના આગ્રહથી થોડું અહીં રોકાયા હતા. નિશાળમાં સભા રાખી હતી. અહીંથી ખડસલી અઢી માઈલ આવ્યા. ઉતારો આશ્રમમાં રાખ્યો હતો. અહીં ગ્રામસેવા મંડળના બધા સભ્યોનો એક વર્ગ ચાલે છે.
બપોરના કાંતણ પછી મહારાજશ્રીનું પ્રવચન, ચર્ચા, પ્રશ્નોત્તરી વગેરે કાર્યક્રમ રાખ્યો હતો. મહારાજશ્રીએ કહ્યું ખાદી કામની સાથે ભૂમિદાનનું કાર્ય ના લઈએ તો ખાદી કામ અધૂરું પડી જાય. એવી જ રીતે પાકિસ્તાન અલગ થયું. લોકોમાં કતલ ચાલી તેવા વખતે ખાદીકામવાળાએ જોવું કે નહિ ? ત્યારે એકાંગી દૃષ્ટિને બદલે સર્વાગી દષ્ટિ રાખીને આપણે ધર્મનો વ્યવહારમાં મેળ પાડવો જોઈએ.
આપણે બિનઆક્રમણના કરારો કર્યા અને બિનઆક્રમણકારોને લાગે છે કે, મહારાજ વર્ગ વિગ્રહની વાત કરે છે. ખરી રીતે તો શહેર અને ગામડાંઓમાં વિગ્રહ પડેલો જ છે. તેને સીધે રસ્તે વાળવાનો પ્રયોગ છે. સત્તાને કાઢવા માટે સત્તાની પ્રતિષ્ઠા તોડવી, ધનની પ્રતિષ્ઠા તોડવી અને સેવાની પ્રતિષ્ઠા ઊભી કરવી.
સંયમ કરવામાં આનંદ આવે છે કે વેઠ લાગે છે ? એ ઉપર સાધકનો આધાર છે. બધી વસ્તુઓમાં રસ લેતો હોવા છતાં તેનું ચારિત્ર્ય ઊંચું હશે તો લોકો તેની ઉપર શ્રદ્ધા રાખશે.
સાધુતાની પગદંડી