________________
તા. ૧૯, ૨૦-૫-૧૯૫૪ : ધોબા
મોટા ભમોદરાથી ધોબા આવ્યા. અંતર ત્રણ માઈલ, ઉતારો ચંદુભાઈ કાઠી દરબારને ઉતારે રાખ્યો હતો. લોકોએ ભજન-મંડળી સાથે સ્વાગત કર્યું હતું. ગામ સંપીલું છે.
રાત્રી સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે ગયે વખતે અમો મેકડા આવ્યા હતા. ત્યારે ફિફાદના લોકોએ ભૂમિદાનની યાદી કરીને ઠેઠ મેકડા સુધી આપવા આવ્યા હતા. એ ઉપરથી ગામનો પ્રેમ કલ્પી શકાય છે. કાર્યક્રમ ભેંકડા નક્કી થયો હતો. એમાં ફેરફાર કરવો મને ગમતો નથી. ફેરફારો કરવાથી ઘણી અવ્યવસ્થા ઊભી થાય છે. જેમ કે ગઈ કાલે દિલ્હીથી એકભાઈ મળવા આવેલા. આજે કેટલાક ભાઈઓ આવેલા. એ બધા ચોક્કસ કાર્યક્રમની રીતે આવતા હોય છે. પણ તમારા બધાનો પ્રેમ એવો છે કે, માણસને અટકવું પડે. હમણાં બાળકો બોલતાં હતાં ‘ભૂમિ કોની બોલો ભાઈ' જવાબ મળતો હતો ‘સૌ જનની સૌ જનની.' બાળકોને ખબર નથી કે આપણે આ બોલીએ છીએ પણ તમારા વાલીઓ એમ કરશે ખરા ? પણ એની ચિનગારી પ્રગટી છે. ગામ એક થશે ત્યારે આપણાં દુ:ખો દૂર થશે. રસ્તામાં હરિજનો મળ્યા. તો એ પણ ગીતો ગાતા ગાતા સામેલ થઈ ગયા. તેમને મન ગામ એક છે. લાકડું વેરાય ત્યારે વચ્ચે ફાચર રાખે છે. જેથી બે ભાગ જુદા પડતા વાર ન લાગે. બ્રિટિશરોએ ફાચર મૂકી હતી. હિરજન પ્રશ્ન માટે બાપુજીએ ઉપવાસ કર્યા. તેમણે મન સૌ સરખા હતા. હિરજનને અલગ રાખીને ભારે અન્યાય કર્યો છે. એ એમણે જાતે અનુભવ્યું. આફ્રિકામાં પૈસા ખર્ચીને ઘોડાગાડીમાં બેઠેલા. ત્યારે એક યુરોપિયન આવ્યો. ગાડીવાળાએ ગાંધીને ઉતારી મૂક્યો. આનાકાની કરી ત્યારે ધક્કો મારીને ઉતારી મૂક્યા. કારણ કે એ કાળા આદમી હતા. ગોરા-ઊંચા, કાળા-નીચા, આ અન્યાય. એમને અસહ્ય થઈ પડ્યો, સત્યાગ્રહ કર્યો. દેશમાં આવીને જોયું તો યુરોપનું પુનરાવર્તન સવર્ણો હરિજન સાથે કરી રહ્યા હતા. એટલે એમણે ભગીરથ પ્રયત્ન કર્યો. આપણે એ વાતને ના ભૂલીએ કૂતરાને અડીએ, બિલાડીને અડીએ અને માણસને ન અડીએ. એ ક્યાંનો ન્યાય ? ગામડાંએ એક થવાનું છે.
૫૮
સાધુતાની પગદંડી