________________
સોનગઢના ત્રણ દિવસ દરમિયાન બે દિવસ આશ્રમમાં પ્રશ્નોત્તરી રાતના થઈ. એક દિવસ હાઈસ્કૂલમાં પ્રવચન રાખ્યું હતું. વિદ્યાર્થીઓને ખૂબ આનંદ આવ્યો. પ્રાથમિક શાળામાં પણ કાર્યક્રમ રાખ્યો હતો. રાત્રે ગામમાં જાહેર સભા થઈ. તેમાં મહારાજશ્રીએ અહીં જે ત્રણ જાતની સંસ્કૃતિઓ કામ કરે છે એ જણાવ્યું. એક આંબલાની શિક્ષણ પદ્ધતિ બીજી કલ્યાણજી બાપાની આશ્રમ પદ્ધતિ અને ત્રીજી કાનજી સ્વામીની આત્મા અને જ્ઞાન અંગેની. આ ત્રણમાં બેનો પરિચય થયો. કાનજી સ્વામીવાળી પ્રવૃત્તિનો પરિચય હેતુપૂર્વક ન થયો. જ્યાં સુધી માનવો સામાન્ય કક્ષાના હોય ત્યાં સુધી તેને માનવતાના પાઠો શીખવવા જોઈએ. જો માનવતા ના આવી હોય અને આત્માનું જ્ઞાન આપવામાં આવે તો માણસ નિશ્ચિત થઈ જવાનો ભય છે. એક સાધુ પુરુષ રોજ આત્માનું જ્ઞાન આપતા. એક દિવસે વીંછી કરડ્યો તો એટલી બધી બૂમો પાડતા કે વાત ના પૂછો. આત્મજ્ઞાનની કસોટી એ કે, એકબાજુ દૂધપાક હોય અને બીજી બાજુ છાસ રોટલો હોય તો શું ગમે છે ? બંગલો હોય અને છાપરું હોય તો શું ગમે છે? એના ઉપર જ્ઞાનનો આધાર છે. જો સારું ગમતું હોય તો માનવું કે શરીર આત્મા છે.
અહીં કલ્યાણજી બાપાનો આશ્રમ છે. ૮૫ છોકરા ભણે છે. ચાર-પાંચ મુનિઓ રહે છે. પણ બધા વાહનનો ઉપયોગ કરે છે. કલ્યાણજી બાપા દવા આપે છે.
કાનજી સ્વામીનો આશ્રમ વિશાળ છે. શ્રીમંત લોકો એનો ઘણો ઉપયોગ કરે છે.
આર્યસમાજનું ગુરુકુળ પણ અહીં છે. હવે હાઈસ્કૂલમાં શિક્ષણ આપે છે. તા. ૧-૧૫૪ : મોટાસુરક્ષા
સોનગઢમાં ૫૧ વીઘાં જમીન ભૂદાનમાં મળી. કબીર સાહેબના મહંતે હળ અને સાળની જમીન ભૂદાનમાં આપી.
સોનગઢથી મોટા સુરકા આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. કલ્યાણજી બાપા સાથે આવ્યા હતા. ગામે ભજન-મંડળી સાથે સુંદર સ્વાગત કર્યું. અહીં ૧૦ વીઘાં ભૂદાન મળ્યું. સાધુતાની પગદંડી