________________
સંકલ્પ સ્ફુરેલો તે આ રીતે ગુજરાત-સૌરાષ્ટ્રને માટે ગોઠવાઈ ગયો. મારી સામે ગુજરાત ભૂદાન સમિતિ હાજર હતી. સૌરાષ્ટ્ર ભૂદાન સમિતિ નહોતી. એટલે મારા પત્રથી વજુભાઈએ એનો સ્વીકાર કર્યો. વજુભાઈએ કહ્યું અમે સંકલ્પને આ રીતે નથી માનતા. મારી ધારણા ૩૦-૭-૫૪ની હતી. પણ નૈતિક દૃષ્ટિએ કાળ લંબાયો. ત્યારે એ કાળમાં પણ સંકલ્પ પૂરો થવો જોઈએ. એવી મારી ચિંતા હતી. પણ હવે ઢેબરભાઈ અને સંયોજક ત૨ફથી બાંહેધરી મળે છે એટલે મારી ધારણા પૂરી થાય છે.
રાજસ્થાનમાં રાજ્ય તરફની જમીન સ્વીકારાઈ છે. એમ સાંભળ્યું છે અને મને ખ્યાલ છે એટલે અહીં પણ રાજ્ય મદદ કરે. તેમાં મેં વાંધો લીધો નથી. એટલે મારા મનમાં સંકલ્પ પૂરો થાય છે. પરંતુ કોઈપણ સંજોગોમાં એ સંકલ્પ પૂરેપૂરો નહિ થાય તો તા. ૧૮ પછી હું મારા આત્મસમાધાન માટે પ્રાયશ્ચિતનું વિચારીશ. પણ આજે તો એ હેતુ સરે છે એટલે પારણું કરું છું. દેવેન્દ્રભાઈ આ બધા મંથનમાં સાક્ષી છે એટલે એમના હાથે પ્રથમ લઈશ. પછી બીજા ભાઈ-બહેનોની ઇચ્છા હશે તો એમના હાથે લઈશ. મીરાંબહેનને નિર્ણય વખતે સાથે ના લીધાં તે બદલ ક્ષમા માંગું છું.બીજા ભાઈ-બહેનોને સંમત ના કરી શક્યો તેનું દુ:ખ છે. ખાસ કરીને નારણદાસ કાકા,ગંગાદાસભાઈ વગેરેને પણ હું શું કહું ? સંકલ્પ પૂરો કરવામાં કડક બનવું પડે છે. ભગવાન આપણને સત્બુદ્ધિ આપે.
પછી પારણાં થયાં
તા. ૨૬-૩-૧૯૫૪ :
સવારના નાથાભાઈ શાહ આવ્યા, સાંજના નારાયણ દેસાઈ અને સૂર્યકાંત પરીખ તેમ જ ગીતાબહેન મહારાજશ્રીને મળવા આવ્યાં. ભૂદાન સંકલ્પ અને ઉપવાસ વિશે ઠીક ઠીક વાતો થઈ. મહારાજે કહ્યું કે મારા ઉપવાસથી કેટલાંકને ભાર પણ લાગ્યો હશે. પરંતુ સંકલ્પ તૂટે તો તેમાં ગુજરાતની શરમ છે. અને ખાસ તો પ્રતિજ્ઞાભંગનું પાતક લાગે. એ મારી દૃષ્ટિ હતી. નારાયણે વાત વાતમાં કહ્યું, વિનોબાજી કહેતા મને પણ મારી દાઢીનો ભાર લાગે છે પણ શું કરું. નારાયણની સાથે વાતો થયા પછી મહારાજશ્રીને ગુજરાતના મુખ્યમુખ્ય કાર્યકરોને ગુજરાતના કોટા પૂરો કરવા વિશે પરિપત્રો લખવાનો વિચાર સ્ફુર્યો અને બીજે દિવસે લગભગ ૫૦ રચનાત્મક કાર્યકરોને સાધુતાની પગદંડી
૩૭