________________
મને નિમંત્રવામાં આવેલ. હું જૈનેતર માણસ. જેન ધર્મનો વિશેષ અભ્યાસ નહિ અને આવા પર્વાધિરાજ પર્યુષણના પવિત્ર પ્રસંગે, વિશાળ જનસમૂહ સામે, વિદ્વાન વક્તા સાથે પ્રમુખ તરીકે બેસતાં મને ત્યારે ખરેખર સંકોચ થતો હતો. આવા વિદ્વાન મારી સાથે કેવી રીતે વર્તશે, કેમ વાત કરશે તેનો થોડો ભય પણ હતો. વિદ્વત્તાના ઘમંડધારી વક્તાઓ વિશે હું જાણતો હતો, પરંતુ મારો સંદેહ, સંકોચ, ભય વગેરે તેમને મળતાવેંત જ ચંદ ક્ષણોમાં જાણે વરાળ બની ઊડી ગયા. એવું મધુરું સ્મિત, મિત્રભાવે વાત કરવાની તેમની શૈલી અને નમ્ર વર્તને મને જીતી લીધો. ત્યારથી, હું જાણે એમને વર્ષોથી ઓળખતો હોઉં તેવા અને અવારનવાર જેને મળતા હોઈએ એવા નિકટના મિત્ર જેવો સ્નેહભાવ, મૈત્રીભાવ મારા હૃદયમાં તેમને માટે રહ્યા છે.
આમ તો તેમનું નામ “નવચેતન' માસિકમાં ક્રિકેટ વિશેના તેમના લેખો દ્વારા જાણીતું થયેલું. ખરું કહું તો, મને ક્રિકેટમાં જરા પણ રસ નહિ એટલે એ લેખો હું વાંચતો નહિ. મને નવલિકાઓમાં રસ એટલે નવચેતન'માં વાર્તાઓ વાંચું અને પછી તો તેમાં મારી અનેક ટૂંકીવાર્તાઓ પ્રગટ પણ થઈ. પરંતુ સમય જતાં શ્રી કુમારપાળના વ્યક્તિત્વના પુષ્પની પાંખડીઓ એક પછી એક ઊઘડતી ગઈ. તેઓ પ્રાધ્યાપક થયા, ડૉક્ટરેટ કરી, ભાષાસાહિત્યભવનમાં નિમાયા, સાહિત્ય પરિષદના મંત્રી થયા, પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓના ‘ગાઇડ’ બન્યા વગેરે સિદ્ધિઓની યશકલગીઓ ઉમેરાતી ગઈ.
ડૉ. કુમારપાળ દેસાઈનાં પ્રવચનો મુંબઈમાં યોજાય અને પરદેશોમાં પણ યોજાય. તેના અહેવાલો વાંચીને રાજી થઉં. કોઈ અદશ્ય તંતુ જાણે તેમના પ્રતિ મને આકર્ષ્યા કરે. એમનું ગૌરવ થાય તેમાં દૂર રહ્યું પણ જાણે હું સહભાગી થતો હોઉં તેવી અનુભૂતિ થાય.
એમને રૂબરૂ મળવાનું બહુ બન્યું નથી. બીજી વખત મળ્યા આશરે એક વર્ષ પહેલાં. ઘણુંખરું શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની રજતજયંતી નિમિત્તે, મુંબઈમાં પ્રેમપુરી આશ્રમમાં કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે મને વિશેષ અતિથિ તરીકે પ્રેમપૂર્વક નિમંત્રેલો. તે વખતના મારે આપવાના પ્રવચનને મેં મારી “મુંબઈ સમાચારની કટાર “કલરવ અને કોલાહલમાં પ્રગટ કરવા મોકલેલું અને તે પ્રગટ થયેલું ત્યાર પછી એકાદબે વખત ફોન પર અને પત્રવ્યવહાર દ્વારા મળવાનું બન્યું.
ઉપર જેનો ઉલ્લેખ કર્યો છે તે મારી કટાર “કલરવ અને કોલાહલમાં મેં એક લેખ લખેલો જેનું શીર્ષક આવું હતું : “અંધારામાં પડેલી જ્ઞાનની પેટીઓ'. મને ઘણા વખતથી લાગતું કે સાહિત્યના, ધર્મના અને તેના અનુષંગી વિષયો પર દર વર્ષે ઉત્સાહી અભ્યાસીઓ રિસર્ચ કરે છે. પીએચ.ડી. થવા માટે શોધનિબંધ–થીસિસ તૈયાર કરે છે. તે કાર્યમાં કેટલો બધો શ્રમ તેઓ લે છે અને એમનો કેટલો કીમતી સમય તેની પાછળ આપે છે. તેઓ ડૉક્ટર તો થાય. એટલા પૂરતી તેમની મહેનત લેખે લાગે, પરંતુ જ્ઞાનની એ પેટીઓ – થીસિસ – શોધનિબંધો લોકો સુધી
ચંદુલાલ બી. સેલારકા