________________
વિશેષ પ્રવૃત્તિ માટેની ક્ષિતિજો ખુલ્લી જ છે. સાહિત્ય સર્જન, આસ્વાદ અને વિવેચનનાં સંસ્કારબીજ વારસામાં મળેલાં તે, તદનુરૂપ અધ્યયન-અધ્યાપનક્ષેત્રમાં પૂરા ચાર દાયકા સુધી વૃક્ષ ફૂલ્યાં. ફાલ્યા. ગુજરાતી, પત્રકારત્વ અને જેન ફિલોસોફી જેવા ત્રણ વિષયક્ષેત્રનાં પીએચ.ડી.ના માર્ગદર્શક શિક્ષક તરીકેના માર્ગદર્શન હેઠળ પંદર વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. સાત સાત વિદ્યાર્થીઓ સંશોધનક્ષેત્રે વ્યસ્ત છે.
સાહિત્યનાં અધ્યયન-અધ્યાપન સાથે સર્જનના ક્ષેત્રે નાનાં-મોટાં એકસોથી વધુ પ્રકાશનો થયાં છે. કલ્પનોત્થ લલિત સાહિત્ય કરતાં સત્યનિષ્ઠ ચરિત્રસાહિત્યમાં કલમ વિશેષ પ્રવૃત્ત રહી. રમત-ગમતનું ક્ષેત્ર પણ ડૉ. કુમારપાળની કલમે નિયમિત કટારનું સ્થિર સ્થાન પામ્યું ! કલ્પના અને વિવેકબુદ્ધિ દાખવતું સર્જનાત્મક સાહિત્ય અને ચિંતનાત્મક લેખન પોતાના આંતરિક વિકાસ માટે પણ ઉપકારક નીવડ્યું છે. નહિતર અનાયાસે જ અનાકુલ કેવી રીતે રહેવાય ? બાળસાહિત્યનાં નાનાં-મોટાં અઢાર પુસ્તકો, જીવનચરિત્રવિષયક આઠ ઉપરાંત પત્રકારત્વ, વાર્તા, વિવેચન, અનુવાદ ને સંપાદિત પુસ્તકો – સાતત્યભર્યું લેખન, પ્રવાસો ને અધ્યાપન સાથે પણ સચવાયું. પંદર જેટલાં સાહિત્યિક પારિતોષિક એનાયત થયાં પ્રભાવક ને પોષક સામગ્રી રજૂ કરનારા વક્તા તરીકે દેશમાં અને વિદેશમાં સંખ્યાબંધ સત્ત્વશીલ વ્યાખ્યાનો આપ્યાં. અહિંસા, શાકાહાર, જેને તત્ત્વદર્શન, સાહિત્ય, સંસ્કૃતિ ને શિક્ષણ – એવા અનેક વિષયોનાં વ્યાખ્યાનો યથોચિત અનિવાર્ય સજ્જતા દાખવી આપ્યાં.
૨00૪નો પદ્મશ્રી એવોર્ડ ડૉ. કુમારપાળ દેસાઈને એનાયત થયો તેથી મિત્રોને અને એમને પણ સ્વાભાવિક રીતે એક પ્રકારનો આનંદ થાય છે. આ પ્રકારની સાર્વજનિક સ્વીકૃતિથી એક પ્રકારની સાર્થકતા પણ અનુભવાય. આજ સુધી જે કંઈ કરતા આવ્યા છીએ તે ખોટું નથી, એ જે કંઈ કર્યું તે ચાલુ રાખીશું – તો તે સારું છે. એવી એક આત્મપ્રતીતિ આવી સ્વીકૃતિથી દઢ અને સુરેખ બને અને ભવિષ્યમાં લેવા જેવાં કામ વધારે ઉત્સાહથી લઈ શકાય તેવી ભૂમિકા રચાય છે. ડૉ. કુમારપાળ દેસાઈએ પોતાના જ વ્યક્તિત્વની અનેક પાંદડીઓને સંવાદી રૂપે વિકસાવી. સમજને વિશાળ બનાવતાં બનાવતાં જ્ઞાનને સ્પષ્ટ ને સુરેખ કરતા જવું, પ્રેમને વધુ પ્રભાવક બનાવતા જવું, લાગણીને અહં ને અજ્ઞાનની રજકણથી મુક્ત કરતા જવું – આ આખી પ્રક્રિયાથી, નિવૃત્તિ પછીની વિશેષ પ્રવૃત્તિથી પુષ્ટિ પામતા રહો એવી ડૉ. કુમારપાળ દેસાઈને શુભેચ્છા સાથે અભિનંદન !
283 અશ્વિન દેસાઈ