________________
ભાઈ કુમારપાળ દેસાઈ પત્રકારિત્વ નિમિત્તે પણ જે જે લખાણો કરે છે તેમાં તેમની નિસબત અછતી રહેતી નથી. ક્યારેય અને ક્યાંય લેખક તરીકેનો ભાર લઈને ફરતા હોય એવું મને ત્યારેય અને ત્યાંય લાગ્યું નહોતું તેમજ આજે પણ લાગતું નથી. જે કંઈ સહજતયા અને સન્નિષ્ઠાથી લખાય તે પ્રજા સમક્ષ નમ્રતાપૂર્વક મૂકવું તે તેમના લેખક વ્યક્તિત્વની એક મુદ્રા છે. આ મારો એમની સાથેનો પ્રથમ પ્રત્યક્ષ પરિચય અને એ પરિચયે મારા ચિત્ત પર અંકાયેલી આ એમની મુદ્રા !
આ પ્રથમ પ્રત્યક્ષ પરિચય પછી એ પરિચય પ્રગાઢ બન્યો જ્યારે કુમારપાળ દેસાઈ લગભગ ૧૯૮૨-૮૩માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગમાં તેઓ અધ્યાપક તરીકે જોડાયા ત્યારે મને ખબર નથી કે કયા ખેંચાણે અમે અરસપરસ તરતમાં જ નિકટ આવી ગયા ! બપોરે રિસેસમાં કે જ્યારે પણ દિવસ દરમિયાન અવકાશ મળે ત્યારે અમે મળ્યા વગર રહીએ જ નહીં. અને જ્યારે જ્યારે જેટલી જેટલી વાર અમે મળીએ ત્યારે ત્યારે અને તેટલી તેટલી વાર સાથે ચા પીવાનું બંધાણ. આ બંધાણ મને સ્મરે છે ત્યાં સુધી મેં જ પાડ્યું હશે. આમ, અમારો સંબંધ એક સહકાર્યકર તરીકે નહીં, બલ્ક મૈત્રીમાં પરિણત થયો. આ મૈત્રી એવી જામી કે હું ગુજરાતી વિભાગમાંથી નિવૃત્ત થયો તો પણ અઘપિ પર્યત તેમાં ઓટ આવી નથી. આનું વધુ શ્રેય કદાચ કુમારપાળને ફાળે જાય છે. હજુ પણ તેઓ અવારનવાર ટેલિફોન કરી પેલા મૈત્રીના છોડને સુકાવા દેતા નથી.
અમારી આ મૈત્રીએ એમના વ્યક્તિત્વની જે કાયમી છાપ મારા પર મૂકી છે તે કંઈક આવી છે : “કુમારપાળ દેસાઈ એટલે સતત કર્મયોગી વ્યવહારદક્ષ પુરુષ. લેખન ઉપરાંતની અનેક સંસ્કારક્ષેત્રીય પ્રવૃત્તિઓમાં તે સદા પ્રવૃત્ત. સેવાપરાયણતા જેવો શબ્દ એમને પસંદ નહીં પડે એવું વિનમ્ર એમનું વ્યક્તિત્વ ક્યાંય કશું કર્યાનો દેખાડો નહીં, બૂમબરાડા નહીં. એમની વ્યવહારદક્ષતાની પાછળ કુટિલતા નહીં, બબ્બે હૃદયની કુમાશ કામ કરે છે. જ્યારે મળો ત્યારે હળવા સ્મિત સાથે આવકાર, ક્યારેય પ્રવૃત્તિનો ભાર એમના ચહેરા પર વર્તાય નહીં. જે કાંઈ કરે તે સ્વાભાવિક હૃદયધર્મ ગણીને, પછી તે શિક્ષણજગતની પ્રવૃત્તિ હોય, સાહિત્યજગતની પ્રવૃત્તિ હોય, સાંસ્કૃતિક કે સામાજિક પ્રવૃત્તિ હોય. બીજા પર છવાઈ જવાની ક્યાંય વૃત્તિ નહીં, બલકે પોતાના સ્નેહાદરથી અન્યને વશ કરી લેવાની એમની કળા એમને અજાતશત્રમાં ખપાવે તેવી છે. આથી અતિશયોક્તિ અલંકાર વાપરીને હું કહી શકું કે “કુમારપાળ એટલે મૈત્રીનો મધપૂડો.”
એમની કામ કરવાની અને કામ લેવાની પદ્ધતિ પ્રેમપ્રધાન સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં તેવી “અહિંસક એમની જિનપ્રબોધી કાર્યપ્રણાલી. એમને મળેલાં વિવિધ માનચાંદો એમની કર્તવ્યનિષ્ઠા, ક્ષેત્રપારંગતતા અને કર્મશીલતાનાં પરિપાકરૂપ છે.
એમનો ચાહકવર્ગ દેશમાં અને વિદેશમાં અતિ બહોળો છે. આ અતિ બહોળો એટલે
નખશિખ સજનતા