________________
રાજસ્થાનના મકરાણાથી દેરાસરનો ગભારો અમદાવાદ મંગાવ્યો. બધા અત્યંત વજનદાર આરસની કોતરણીનું કામ, પથ્થરો હતા તેને છૂટા પાડ્યા. દરેકને વ્યવસ્થિત નંબર આપ્યા અને બરાબર “પેક કરાવીને અમેરિકા મોકલી આપ્યા. પોતાના આટલા પ્રવૃત્તિમય જીવનમાંથી આટલો બધો સમય આપી વ્યવસ્થિત રીતે સમયસર કામ પૂરું કરી આપ્યું. તેમાં તેમની સ્વીકારેલું કાર્ય પૂરું પાડવાની નિષ્ઠા અને વિદેશમાં થતા ધર્મકાર્યને સહયોગ આપવાની ભાવના જોવા મળે
૧૯૯૮માં પર્યુષણ પર્વ દરમ્યાન કુમારપાળ દસ દિવસ માટે હ્યુસ્ટનમાં પર્યુષણ કરાવવા આવ્યા અને તેમનાં જ્ઞાન અને વક્તવ્યથી બધાને મંત્રમુગ્ધ કર્યા. એમનાં પ્રવચનોમાંથી પ્રાપ્ત થતા શાસ્ત્રજ્ઞાને સહુકોઈમાં ધર્મદર્શનની જિજ્ઞાસા જગાડી. ભારતમાં પર્યુષણ સમયે જેવું ધાર્મિક વાતાવરણ હોય છે, તેવું વાતાવરણ ભારતથી આટલે દૂર હ્યુસ્ટનમાં સર્જાયું.
કુમારપાળને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. સમાજમાં તેમનું ખૂબ સન્માન અને બહુમાન થયું છે. પણ આ પ્રસંગ તો વિશેષ છે. તેમની કારકિર્દીની આ ટોચ સમાન છે. ભારત સરકાર તરફથી જ્યારે પદ્મશ્રીનું સન્માન મળ્યું છે. તે અમારા સમગ્ર કુટુંબ માટે એક આનંદ અને ગૌરવની વાત બની ગઈ. અને અમે સર્વ કુટુંબીજનો, મારા ભાઈઓ રસિકભાઈ, કાંતિભાઈ તથા રમેશભાઈ – શ્રી કુમારપાળને અમારા હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ. અમારા સૌથી મોટાભાઈ સ્વ. ચંપકભાઈ દોશી પણ કુમારપાળ સાથે વિશેષ સંબંધ ધરાવતા હતા અને અમારા નાના ભાઈ સ્વ. મહેશભાઈ દોશી કુમારપાળના બાળપણના મિત્ર હતા. તેઓ આજે હાજર હોત તો કુમારપાળની આ સિદ્ધિ અને પ્રગતિ જોઈને કેટલા બધા ખુશ થયા હોત, તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
કુમારપાળ પર સરસ્વતીની અસીમ કૃપા છે. જ્ઞાન, વાણી, બુદ્ધિ અને યાદશક્તિ – બધું ખૂબ મળ્યું. પણ તેમનો ગુણોનો ભંડાર એ એક વિશેષ મહત્ત્વની વાત મને લાગી છે. અને તે તેમની સફળતા માટે કારણભૂત છે. કુમારપાળમાં કામ કરવાની અથાક શક્તિ, પરિશ્રમની તૈયારી, એકાગ્રતા અને નિષ્ઠા, સૂઝ, સમજણ, ચોકસાઈ અને વિચારોની સ્પષ્ટતા છે. પ્રશ્નોનો ઉકેલ કરવાની સૂક્ષ્મ વ્યવહારુ બુદ્ધિ છે. બીજા પણ સહજ ગુણો જેવા કે આનંદી સ્વભાવ, વિનય, વિવેક, નમ્રતા અને સમતા જોવા મળે છે. ક્યારેય ગુસ્સો નહિ. આવા બધા ગુણોનો સમુદ્ર એ ઈશ્વરનો પક્ષપાત કે તેમના જીવન પુરુષાર્થની પ્રાપ્તિ છે.
એક નાનકડો પ્રસંગ સાથે મારી વાત સમેટી લઉં. ૨૦૦૩ના માર્ચ મહિનામાં અમે ભારત આવ્યાં ત્યારે મારાં પત્ની કલ્પના કુમારપાળનાં પત્ની પ્રતિમા સાથે ખરીદી કરવા ગયાં હતાં.
531 કિશોર દોશી