________________
કુમારપાળ પાસે ભાષા છે, શબ્દોની સૂઝ છે, પ્રસંગોની ગૂંથણીની કળા છે, વિષયવસ્તુને સરળતાથી રજૂ કરી અંતરના ઊંડાણ સુધી પહોંચવાની સિદ્ધિ છે, નવા નવા વિષયો કે પ્રસંગો સાથે નીતિનિયમો સમજાવવાની કે ઉપદેશ કે માર્ગદર્શન આપવાની સાચી સમજ છે. આવા બહુશ્રુત, વિદ્વાન, અભ્યાસી અને લોકલાડીલા અધ્યાપક કુમારપાળને મૂલવવા એ સહેલું કામ નથી. હાથી કેવો એની વ્યાખ્યા આંધળાઓ આપવા બેસે તો કેવી દશા થાય?
કુમારપાળની પ્રતિભા બહુમુખી છે. એ માનવપ્રેમી પત્રકાર છે, એ સંવેદનશીલ સાહિત્યકાર છે, એ જૈન ધર્મના ઊંડા અભ્યાસી, પ્રશંસક અને પ્રચારક છે, એ લોકહૈયે પહોંચી જતા સ્પોર્ટ્સ-સમીક્ષક છે, એ બહુશ્રુત અધ્યાપક છે, આ બધા ઉપરાંત એ એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા સજ્જન છે, એમના સાંનિધ્યમાં તમને જીવનનો મર્મ, આનંદ અને મહત્તાનો સાક્ષાત્કાર થાય છે. મહાજ્ઞાની અને સાચા અભ્યાસી સદ્ગત જયભિખ્ખના ઘણા ગુણો કુમારપાળમાં વારસામાં ઊતર્યા છે. કુમારપાળના ઘડતરમાં અને જીવન- દૃષ્ટિમાં જયભિખ્ખનો અનન્ય ફાળો રહ્યો છે. એમનાં લખાણોમાં જયભિખ્ખની સીધી અને સચોટ અસર જણાય છે. અનેક એવોર્ડ મેળવનાર કુમારપાળની સિદ્ધિમાં પદ્મશ્રી'નો એવોર્ડ એક મહાન ઉમેરો કરે છે.
ટૂંકમાં, કુમારપાળના વ્યક્તિત્વની વાત કરીએ તો કુમારપાળ સમયના આગ્રહી છે. એમની યાદશક્તિ તીવ્ર છે, કોઈ વાત કદી ભૂલતા નથી. એમનામાં વડીલોને હંમેશ માન આપવાનો મોટામાં મોટો ગુણ છે. એમનામાં સ્ત્રી સન્માનની અનોખી ભાવના છે. મિત્રો બનાવવાની અને મૈત્રી ટકાવી રાખવાની તત્પરતા અને ઘેલછા છે. મારા જેવા વાર્તાલેખક અને નવલકથાકારને નવચેતનામાં કૉલમ લખવા પ્રોત્સાહિત કરનાર કુમારપાળ મારે મન પરમ આપ્તજન છે ! કુમારપાળ ગરવી ગુજરાતનું ગૌરવ છે અને સદાકાળ ગૌરવ જ રહેશે.
ત્રણ વર્ષનો મારો ભારતમાં બંધાયેલો સંબંધ આજે તેત્રીસ વર્ષથી ટકી રહ્યો એનાં ઘણાં કારણ છે; જેવાં કે એમની નિસ્વાર્થ સાચી મૈત્રી, એમનું હસમુખું વદન, એમની અનોખી પ્રતિભા, મારી સર્જનપ્રવૃત્તિના સાચા પ્રશંસક. આજે જ્યારે કુમારપાળ વિશે કંઈક લખી રહ્યો છું ત્યારે આવા એક સદ્ભાવી મિત્ર માટે ગૌરવ અનુભવું છું અને પરમાત્માને પ્રાર્થ છું કે “પ્રભુ એમને બહુ લાંબું, સુખી, આનંદી અને તંદુરસ્તીભર્યું જીવન બક્ષે. એમની કલમે ગુજરાતી ભાષાને વિવિધ ક્ષેત્રે અખૂટ સત્ત્વશીલ સાહિત્ય મળતું રહે અને એમની નામના ચોપાસ ગુંજતી રહે.”
કેનેડામાં સ્થાયી થયેલા ગુજરાતી સર્જક
543 . જય ગજર