________________
પુત્રને સ્કૂટર ચલાવવાની મનાઈ, તેને માટે ડ્રાઇવર રાખેલો તે જાણીને અમને મિત્રોને ખૂબ જ રમૂજ થતી. પિતાશ્રીની લેખનશક્તિ અને માતુશ્રીની ઉદારતા – બંનેનાં મહાન જીવનનો વારસો તેમને મળ્યો છે.
૧૯૬૮માં મારાં લગ્ન થયાં અને અમેરિકા આવવાનું થયું. અહીં આવ્યા બાદ પત્ર દ્વારા અવારનવાર પરસ્પર સમાચાર મળતા રહ્યા. વર્ષો જતાં તેમની પ્રવૃત્તિઓ વધતી ગઈ અને વિવિધ કામોમાં વ્યસ્ત રહેતા. તે સમયે તેમનાં પત્ની પત્ર લખતા. (પ્રતિમાભાભીના અક્ષરો સરસ છે.) આજના સમયમાં ઈ-મેઇલ દ્વારા સમાચાર મળતા રહ્યા. એમ પત્ર-સંપર્કના જળથી મૈત્રીપુષ્પનો છોડ સિંચાતો રહ્યો. હજારો માઈલ દૂર રહેવા છતાંય મિત્રતા પાંગરતી રહી!
જ્યારે ભારત આવીએ ત્યારે તેમને ત્યાં અચૂક જવાનું બનતું. તેમનાં પત્ની પ્રતિમાબહેન ખૂબ આગ્રહથી જમાડતાં. પર્યુષણ સમયે કુમારભાઈ અમેરિકા આવતા ત્યારે ક્યારેક ફોન દ્વારા તો ક્યારેક રૂબરૂ મળવાનું બનેલું. એક વર્ષે તેઓ અમેરિકા આવ્યા ત્યારે પર્યુષણ દરમ્યાન ન્યૂ જર્સીમાં અમારે ત્યાં રહ્યા હતા. છેલ્લા દિવસનું પ્રવચન સમાપ્ત થયું ત્યારે કેટલીક વ્યક્તિઓનો આભાર માનતા તેમણે અમારો પણ આભાર માન્યો. મિત્રતાના સંબંધમાં આભાર માનવાનો હોય નહિ. તેથી અમને ખૂબ સંકોચ થયો. તેમણે કહ્યું કે કુમારપાળને વસ્તુપાળ સાથે તો મિત્રતા જ હોય. (મારા પતિનું નામ વસ્તુપાળ છે.) આ સમય દરમ્યાન તેમની સાથે વિવિધ વિષયોમાં વાતો થતી. દલીલોનો અંત લાવવો હોય તો સામી વ્યક્તિને “તમે સાચા” એમ કહેવું તેવી એમની રમૂજ યાદ રહી ગઈ.
એક બીજો પ્રસંગ યાદ આવે છે. અમદાવાદમાં એક મિત્રને ત્યાં તેમને બપોરે બાર વાગે જમવાનું નિમંત્રણ મળ્યું હતું. તેઓ તેમને ત્યાં બરાબર તે સમયે પહોંચી ગયા. થોડો સમય બેઠા, વાતો કરી પણ મિત્રએ જમવાની વાત જ ન કરી. મિત્ર તેમનાં પત્નીને આ બાબત કહેવાનું જ ભૂલી ગયેલા. અચાનક મિત્રને યાદ આવ્યું અને માફી માગી. કુમારભાઈએ તેમને કહ્યું કે જમવું નથી, અહીંથી પસાર થતો હતો અને તમને ના પાડવા જ આવ્યો છું. આમ મિત્ર બહુ છોભીલા ન પડે તેમ પરિસ્થિતિને અનુકૂળ થઈને વાત વાળી લેતા.
કૉલેજજીવન દરમ્યાન કરેલા વિચારો ધીમે ધીમે આકાર લેતા થયા. ભાવિ જીવન વિકસતું ગયું. તેમનો રમૂજી સ્વભાવ, ઉદારતા, બીજાને મદદરૂપ થવાની હંમેશાં તૈયારી – એ બધા ગુણોને લીધે મિત્રસમુદાય વધતો જ ગયો.
ભારત સરકાર તરફથી કુમારભાઈને પદ્મશ્રી'નો ખિતાબ મળે છે ત્યારે તેમના એક મિત્ર તરીકે હું પણ સૂક્ષ્મ આનંદનો અનુભવ કરું છું. તેમનો જીવનપંથ મંગળમય બની રહે તેવી શુભેચ્છા.
સંસ્કૃત વિષયના પૂર્વ અધ્યાપક, હાલ ન્યૂજર્સી
534
આનંદનો અનુભવ