________________
તેમના શબ્દોમાં જ એટલી બધી આત્મીયતા હતી કે મારું અડધું દુઃખ તો તેમને મળ્યા બાદ જ ઓછું થઈ જતું. તેઓ હંમેશાં યોગ્ય સલાહ આપતા. મારી કલમ વિકસે એ માટે મૂલ્યવાન સૂચન કરતા. હું હોસ્ટેલમાં રહીને ભણતો એટલે અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમતો હતો. કલમના જોરે ભણતો હતો અને કમાતો હતો. મારી મુશ્કેલીઓને, જાણે મારા ચહેરા પરથી વાંચી લીધી હોય તેમ તેઓ મારા જીવનમાં માત્ર એક પ્રોફેસર તરીકેની જ નહિ, એક ગુરુ તરીકેની નહિ, બલ્ક એક મોટાભાઈ તરીકેની ભૂમિકા પણ ભજવવા લાગ્યા હતા. મારા હતાશ જીવનમાં, મારા નિરાશ જીવનમાં તેમણે હંમેશાં અંધકારમાં જ્યોત પ્રગટાવવાનો પ્રયાસ કર્યો હતો. ક્યારેક ઉપકાર ન કરતા હોય એવી ભાવના સાથે તેઓ મારી સાથે વ્યવહાર કરતા. તેઓ મનોમન એક આદરણીય અને પૂજનીય વ્યક્તિ તરીકે મારા હૃદયમાં સ્થાપિત થવા લાગ્યા હતા.
કૉલેજના બીજા વર્ષમાં મને પત્રકારત્વનો વિચાર આવ્યો હતો. મેં વાત કરી. તેમણે કૉલેજ છૂટ્યા બાદ મને મળવાનું કહ્યું હતું. હું મળ્યો હતો. મને રિક્ષામાં મસ્તુભાઈને મળવા લઈ ગયા હતા. એ દિવસોમાં ભવન્સ કૉલેજમાં જર્નાલિઝમનો કોર્સ ચાલતો હતો. મસ્તુભાઈ સાથે મારો પરિચય કરાવ્યો હતો અને મારી પત્રકારત્વના કોર્સમાં જોડાવાની વાત તેમણે જ કરી હતી. ગ્રેજ્યુએટ થયા બાદ જ એ કોર્સમાં પ્રવેશ મળતો હતો, છતાં વિશેષ મંજૂરી લઈને પણ મને પ્રવેશ મળે તેવો તેમણે આગ્રહ રાખ્યો હતો. પ્રવેશ તો શક્ય બન્યો હતો, પણ ફીની રકમ સાંભળીને મારી મૂંઝવણ વધી ગઈ હતી. મસ્તુભાઈના ઘરથી બહાર નીકળીને મેં કહ્યું હતું, “સર ! પત્રકારત્વ તો કરવું છે, પણ ફીની રકમ ભરવી મારા માટે શક્ય નથી !”
જેને ભણવું છે, તેણે ફીની ચિંતા ન કરવી જોઈએ !” ડૉ. કુમારપાળ દેસાઈએ મને કહ્યું હતું અને ઉમેર્યું હતું, “કાલે તું મને રિસેસમાં મળજે!” હું બીજે દિવસે તેમને મળ્યો હતો. તેઓ મને રિક્ષામાં હીરાલાલ ભગવતીના બંગલે લઈ ગયા હતા. તેમને મળીને કહ્યું હતું. “આ મારો વિદ્યાર્થી પત્રકારત્વ કરવા માંગે છે. તેની પાસે ફી નથી.”
“કંઈ વાંધો નહિ, આપણે આપીશું.” હીરાલાલ ભગવતી બોલ્યા હતા અને તેમની ઑફિસમાંથી ફી લઈ જવા કહ્યું હતું. બંગલામાંથી બહાર નીકળ્યા બાદ કુમારપાળ સાહેબે પૂછ્યું હતું, “હવે તો પત્રકારત્વ કરવું છે ને !”
હા સર !” મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. એ ક્ષણે મને અહેસાસ થયો હતો કે તેઓ માત્ર મારા માર્ગદર્શક જ નહિ, સાચા હમદર્દ પણ બની રહ્યા છે. તેઓ કૉલેજમાં ભણાવતા હોય કે પત્રકારત્વના કોર્સમાં, તેમની દરેક વાત હું ધ્યાનથી સાંભળતો. એક પ્રોફેસર તરીકે તેમની વિશેષતા એ હતી કે તેઓ જે કંઈ સમજાવતા તે ખૂબ પ્રેમથી સમજાવતા. વાણી અને વ્યવહારમાં તેમના વ્યક્તિત્વનો એક અલગ અંદાજ હતો. પોતાની વિચારસરણીને અનુસરવાનો ક્યારેય
508 કોટિ કોટિ વંદન...