________________
વિદ્યાર્થીને એની મુશ્કેલીમાં ઉપયોગી થવાની, દેસાઈસાહેબના જીવન-સૌંદર્યનો સાક્ષાત્કાર કરવાની એક ઘટના મારી જાત સાથે જોડાયેલી છે. ૧૯૯૪માં એમ.એ. ભાગ-૨નું પરિણામ જાહેર થયું. મારું પરિણામ અટકાવવામાં આવ્યું હતું. તપાસ કરી તો ખબર પડી કે મારો લઘુશોધનિબંધ ગુમ થઈ ગયો હતો. મેં સાહેબને વાત કરી. સાહેબ તરત જ મારી સાથે યુનિવર્સિટી કાર્યાલયમાં આવ્યા. તત્કાલીન ઉપ-કુલપતિ ડૉ. ચંદ્રકાંત મહેતા પાસે જઈ તેમણે જે રજૂઆત કરી તે મને જીવનભર યાદ રહેશે:
“આ દીપક, મારો પ્રિય અને હોશિયાર વિદ્યાર્થી છે. તેણે જમા કરાવેલો લઘુશોધનિબંધ કોઈ કારણસર ખોવાઈ જતાં તેનું એમ.એ. ભાગ-રનું પરિણામ અટકાવવામાં આવ્યું છે. તો તાત્કાલિક અન્ય વ્યવસ્થા કરો.”
તેમણે મારી પાસેની શોધ-નિબંધની અંગત નકલ લઈ તેને તપાસડાવવાની વ્યવસ્થા કરી શક્ય હોય તેટલું ઝડપથી મારું પરિણામ જાહેર કરાવ્યું. વિદ્યાર્થીના જીવનપ્રશ્નને આ રીતે પોતીકો બનાવી ઉત્સાહભેર તેના હલ સુધી સાથ આપનાર દેસાઈસાહેબની વાત્સલ્યમૂર્તિ મારા હૃદયમાં હંમેશ માટે અંકિત થયેલી રહેશે.
આવા પ્રો. દેસાઈસાહેબ એટલે અનેક વિદ્યાર્થીઓના વહાલા અધ્યાપક, સંકોચ કે ડર વગર એમની કેબિનમાં જઈ શકાય, પોતાની કોઈ પણ મૂંઝવણ વિશે વાત કરી શકાય.
પુનઃ જન્મ લેવાનું થાય તો તમે શું બનવાનું પસંદ કરો ?” – એવા એક પ્રશ્નના ઉત્તરમાં દેસાઈસાહેબે કહેલું: “સમાજને ઉપયોગી એવું મૂલ્યનિષ્ઠ સાહિત્ય રચી શકું, આધ્યાત્મિક જીવન જીવી શકું, ગ્રંથોના રહસ્ય પર ચિંતન કરી શકું તથા ધર્મની સાચી વિભાવના પહોંચાડી શકું તેવો માનવદેહ ફરી મળે તેવી ઈશ્વરને મારી પ્રાર્થના રહી છે.”
મારી પણ પ્રાર્થના ઈશ્વરને એ જ છે કે આવા આધ્યાત્મિક સારસ્વત, સંવેદનશીલ માર્ગદર્શક-ગુરુ મને ભવોભવ મળતા રહો.
512
આધ્યાત્મિક સારસ્વત