________________
રહસ્યોની જાણકારી પ્રાપ્ત થાય. અમે આ સંદર્ભમાં કુમારપાળભાઈનું નામ સાંભળ્યું અને તેમને પર્યુષણ પર્વમાં પ્રવચન આપવા માટે નિમંત્રણ આપ્યું.
અમેરિકામાં ડૉ. કુમારપાળ દેસાઈની આ સર્વપ્રથમ પર્યુષણ વ્યાખ્યાનમાળા હતી. પર્યુષણ પર્વની પૂર્વે ૧૯૮૪ની ત્રીજી જૂન અને છઠ્ઠી જૂને એમણે વક્તવ્ય આપ્યું અને એ પછી અગિયારમી સપ્ટેમ્બરથી ઓગણીસમી સપ્ટેમ્બર સુધી સતત અને અવિરત પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજાઈ. એમના પ્રથમ પ્રવાસમાં જ એમની આગવી વ્યાખ્યાનશૈલી, ગહન વાતને સરળતાથી સમજાવવાની કુશળતા, વ્યાપક દર્શન અને ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને એના એક એક મુદ્દાની વિશેષતા દર્શાવવાની એમની પદ્ધતિ સહુને મોહિત કરી ગઈ. એમાં પણ વેસ્ટર્ન વર્લ્ડમાં રહેલા જૈનોએ એક અર્થમાં કહીએ તો પહેલી વાર આટલા વ્યાપક સંદર્ભમાં, અત્યંત આધુનિક દૃષ્ટાંતો સાથે અને વર્તમાન જીવનને લક્ષમાં રાખીને ધાર્મિક વ્યાખ્યાનોનું પાન કર્યું. આને પરિણામે સૌપ્રથમ તો ધર્મ કોઈ પ્રાચીન અથવા તો ભૂતકાળની કોઈ વાત કરે છે એવું લાગવાને બદલે એમણે આ ધર્મની ભાવનાઓ સાંપ્રત સમયમાં પણ જીવનને કેટલી લાભદાયી છે તે દર્શાવ્યું. આથી સમાજમાં જૈન ધર્મના શાશ્વત સિદ્ધાંતો તરફ વિશેષ રુચિ પ્રગટી. ડૉ. કુમારપાળ દેસાઈનાં ઉદાહરણોમાં મુનિ પ્રસન્નચંદ્ર રાજર્ષિથી માંડીને મહાત્મા ગાંધી અને રવિશંકર મહારાજનાં ઉદાહરણો તો આવતાં, પણ તેની સાથોસાથ અબ્રાહમ લિંકન અને જ્યોર્જ વૉશિંગ્ટનની વાત પણ એમનાં વ્યાખ્યાનોમાં વણાઈ જતી. આને પરિણામે એમનાં વ્યાખ્યાનો સાંભળવા માટે જૈન, જૈનેતરો અને અન્ય ધર્મ અને જાતિની વ્યક્તિઓ ઉપસ્થિત રહેતી.
ડૉ. કુમારપાળ દેસાઈનાં પ્રવચનોએ બીજું મહત્ત્વનું પ્રદાન એ કર્યું કે કોઈ ગચ્છની વાત કરવાને બદલે એમણે ધર્મની વાત કરી. પોતાના ગચ્છ કે સંપ્રદાયને આગળ કરીને એ સંપ્રદાયમાં માનનારા લોકોનો સદ્ભાવ મેળવવાની કેટલાક કોશિશ કરતા હતા. આવે સમયે એમણે અત્યંત સરળ રીતે જૈન ધર્મના તત્ત્વજ્ઞાનને રજૂ કર્યું. તે રજૂઆતમાં એમની વિદ્વત્તાની છાપ દેખાઈ આવતી હતી. ભાષા પરનું એમનું પ્રભુત્વ એવું હતું કે શ્રોતાઓ ઇચ્છતા કે વધુ ને વધુ સમય સુધી એમનું વ્યાખ્યાન ચાલુ રહે. આ સમયે “કલ્પસૂત્રનાં વ્યાખ્યાનો યોજાતાં અને વર્ષોથી જે સાંભળતા હોય તેવી પરંપરાગત રીતે જ આ વ્યાખ્યાનો ચાલતાં. જ્યારે કુમારપાળભાઈ કલ્પસૂત્ર' જેવા ગ્રંથમાંથી એક મુદ્દો લઈને એની આસપાસ જૈન તત્ત્વજ્ઞાન વીંટાળી દેતા. વળી એવું પણ બનતું કે કેટલીક પરંપરામાં માનનારી અને રૂઢિચુસ્ત રીતે ચાલનારી વ્યક્તિઓ નવા લોકો સાથે કે આજના વિશ્વ સાથે તાલ મેળવી શકતી નહીં, જ્યારે કુમારપાળભાઈનાં વ્યાખ્યાનોમાં એમણે એવી કોઈ રૂઢિચુસ્તતાને બદલે સતત વ્યાપકતા અને મોકળાશની હિમાયત કરી. ગ્રંથિ છોડે એ જ નિગ્રંથનો અનુયાયી બની શકે તેમ તેમણે સમજાવ્યું.
517 નરેશ શાહ