________________
:
:
વિદ્યાક્ષેત્રના
માર્ગદર્શક
વિઘાજીવનના બહુમૂલ્ય સમયગાળામાં પ્રાથમિક અભ્યાસ છોડ્યા પછી સ્વપ્ન પણ કલ્પના ન હતી કે ભાવિમાં કોઈ ચોક્કસ દિશામાં વિદ્યાભ્યાસ આગળ વધશે. દરમ્યાનમાં સંયમજીવન સ્વીકાર્યા બાદ ઈ. સ. ૧૯૮૯માં મારી સુષુપ્ત વિદ્યાચેતનાને જાગ્રત કરવાનો મોકો મળ્યો. સાથે એવી પ્રેરણા મળી કે સાધુજીવનનું પરંપરાગત અધ્યયન નહિ, પરંતુ જેમાં પોતાની જાતને પરીક્ષણોમાંથી પસાર કરી શકાય એવો અભ્યાસ કરવો જોઈએ. જીવનના આ લક્ષ્યની સિદ્ધિ માટે અનેક વ્યક્તિઓ વિદ્વાનોના પરિચયમાં આવ્યા. આગળ અભ્યાસ કરવા માટે માહિતી મેળવવા પ્રયત્નો કર્યા, ચર્ચાઓ થઈ પરંતુ પ્રાથમિક અભ્યાસ ઓછો હોવાથી પ્રાયઃ દરેક પાસેથી એક જ સૂર સંભળાયો કે આગળ સ્નાતક કક્ષાનો અભ્યાસ કરવો હોય તો બોર્ડની પરીક્ષા (દશમા-બારમા ધોરણની) પાસ કરવી જ પડે. મન વિક્ષુબ્ધ બન્યું. મૂંઝવણ થઈ કે હવે શું કરવું? મનમાં સંકલ્પ-વિકલ્પો ઘૂમરાતા હતા કે કંઈક પામવું તો છે જ, તો કોની પાસેથી માર્ગદર્શન મેળવવું ? મનમાં વિચાર સ્ફર્યો કે કુમારપાળભાઈ દેસાઈ કે જે વિદ્યાનિષ્ઠ અધ્યાપક અને સમર્થ સાહિત્યકાર છે તેમને મળવું જોઈએ. પણ મનમાં થયું કે આવા મોટા માણસને વગર ઓળખાણે કેમ મળવું? છેવટે મનને સજ્જ કરી એક દિવસ યુનિવર્સિટી પહોંચી ગયા. પૂછતાં પૂછતાં ભાષાભવનમાં કુમારપાળભાઈને મળવા ગયાં.
મહાસતી વિસતીજી
485