________________
સાત્ત્વિક ઈર્ષા આવે એટલો બહોળો. અને આ બધું કંઈ એમ ને એમ બનતું નથી. એમની આ વ્યક્તિત્વ-માધુરીનો આ લખનારને જેટલો પરિચય છે તેટલો એમના સંસર્ગમાં આવનાર સોને થયો હશે. દ્રોપદીએ ભરસભામાં જેની લાજ લૂંટાઈ ત્યારે મૂક રહેલા યુધિષ્ઠિરને ‘અમર્ષશૂન્ય' કહ્યા હતા. અલબત્ત, યુધિષ્ઠિરની વેદના ઓછી નહોતી. પણ એને અમર્ષમાં ઢાળવાનું એ શીખ્યા જ નહોતા. તો આવી ક્ષણોએ પણ મેં કુમારપાળને “અમર્પશૂન્ય' જોયા છે. ક્રોધ કદાચ એમના રસવિશ્વની બહારનો શબ્દ-ભાવ છે. શાન્ત અને સ્વસ્થ ચિત્તે બધી જ પરિસ્થિતિમાં વ્યવહાર દાખવવાની કાબેલિયત એમની પાસેથી શીખવા જેવી છે. અવાજમાં ક્યાંય તારસ્વર નહીં, વ્યવહારમાં ક્યાંય કટુતા નહીં.
શિક્ષક તરીકે પણ એમની તાસ પૂર્વેની તૈયારીઓમાં મેં એમને ઓતપ્રોત જોયા છે. વર્ગમાં તૈયારી વગર એ ભાગ્યે જ ગયા હોય. એમની મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યોપાસનાનાં મીઠાં ફળ એમનાં અનેક વિદ્યાર્થીઓએ ચાખ્યાં હશે. ક્યાંય કશી ગૂંચ હોય તો પૂછીને સ્પષ્ટતા મેળવવામાં પણ એમની શિક્ષક તરીકેની સભાનતા અનુભવવા મળે. જે બહુ પામી ગયાનો ભાર લઈને ઘૂમે છે તે કદી કશું પામી શકતો નથી. કુમારપાળને મેં સતત અને સદાય ખુલ્લા મનના વિનમ્ર વ્યક્તિ તરીકે અનુભવ્યા છે. ગુજરાતી વિભાગમાં અમે સાથે હતા ત્યારે ગમે ત્યારે અવકાશ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં વૃક્ષ નીચે ચાની લારીએ ચા પીવા અને ટોળટપ્પા કરવા બેસી જતા. આ અમારી અન્ડર ધ ગ્રીનવુડ ટી ક્લબ હતી.
આ બધું લખું છું ત્યારે કોઈ વાચકને એમ પણ થવા સંભવ છે કે આ તો નરી પ્રશસ્તિ જ પ્રશસ્તિ છે. ભલે, તો તેમ થાઓ. પણ તેમ થાય તો પણ માની લેવું એ એક અદના મિત્રે એના સન્મિત્રને આપેલું આ પ્રશસ્તિપત્ર છે.
475 ધીરુ પરીખ