________________
ગરવી ગુજરાતનું
મહામૂલું ઘરેણું
નાનપણથી વાંચનશોખને કારણે કેટલાક લેખકો ખૂબ પસંદ પડતા અને તેમની વાર્તા, લેખો, બાળવાર્તાઓ, જીવનઉપયોગી સાહિત્ય, જીવનચરિત્ર કે પછી દેનિકપત્રમાં આવતી કૉલમ વાંચ્ય વગર રહી શકાય નહીં. મારા આવા પ્રિય લેખક હતા ડૉ. કુમારપાળ દેસાઈ. પહેલાં એમનો લેખનપરિચય થયો, ત્યારપછી અનેક વખત અભ્યાસકાળ દરમિયાન અનેક વાર પ્રત્યક્ષ રીતે તેમને મળવાનું બન્યું. નાનપણથી આજ સુધીની વાંચનયાત્રામાં જેમને સતત સાથે રાખ્યા છે તેવા ડૉ. કુમારપાળ દેસાઈ સમગ્ર ગુજરાતનું ગૌરવ ગણી શકાય.
ડૉ. કુમારપાળ દેસાઈ સૌરાષ્ટ્રના હોવાથી તેમને મળેલાં માન-સન્માનથી મને વિશેષ ગૌરવની લાગણી થાય તે સ્વાભાવિક છે. સાહિત્યના વિદ્યાર્થી તરીકે અને પછી સાહિત્યના શિક્ષક તરીકે ઘણી વખત મારી શાળામાંથી નવરાશના સમયે કુમારપાળભાઈને નવગુજરાત કોલેજમાં મળવા જતો. તેમનો ઋજુ સ્વભાવ, સમજાવવાની લઢણ અને નિરાભિમાનીપણું ત્યારથી જ મને સ્પર્શી ગયેલાં. તેમની ગુજરાત સમાચારની કૉલમ હોય કે પછી અન્ય પ્રકાશનો એ સતત જીવનમાં કંઈક કરવાની ઊર્ધ્વ પ્રેરણા આપતાં હોય છે. વિવિધ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને તેમણે લખેલાં લેખો અને પુસ્તકોએ અનેક યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તો અનેક સાહિત્યરસિકોને પણ ખૂબ સમૃદ્ધ વાંચન તેમણે પીરસ્યું છે. અનેક યુવાનોના જીવનઘડતરમાં તેઓ માર્ગદર્શક બન્યા છે. 476
ભીમજીભાઈ નાકરાણી.