________________
રમતગમત અને સાહિત્ય પછી ત્રીજું ક્ષેત્ર ધર્મદર્શનનું છે. મહાવીર જયંતીનો પ્રસંગ હોય કે પર્યુષણ વ્યાખ્યાનમાળા હોય – ધર્મ વિશે તેમનું પ્રવચન શરૂ થાય ત્યારથી અંત સુધી અવિરત રીતે દરેક વિશિષ્ટ ગ્રંથોના વાચનનો નિચોડ તેમની વાણીમાં જોવા મળ્યો છે. છેલ્લાં પંદરેક વર્ષથી લગભગ દરેક પર્યુષણ પર્વમાં વિદેશમાં તેમનાં વ્યાખ્યાનો યોજાયાં છે. વિશ્વના લગભગ દરેક પ્રમુખ દેશોમાં તેમણે પ્રવચનો આપ્યાં છે. તેઓ કદાચ પહેલા એવા ભારતીય જૈન છે જેમણે સતત પંદરથી વધુ વર્ષ સુધી વિદેશમાં પર્યુષણ દરમ્યાન વીસ-વીસ વ્યાખ્યાનો આપ્યાં હોય.
કુમારપાળભાઈ સાથેના સત્યાવીસ વર્ષના લાંબા પરિચય દરમ્યાન તેઓ પાસેથી કદી ન ભુલાય એવી વાત જે શીખવા મળી છે તે તેમની નિયમિતતા અને કામ પ્રત્યેની ધગશ છે. તેઓ કોઈ પણ સમારંભના પ્રમુખ કે અતિથિવિશેષ હોય તો બિલકુલ સમયસર હાજર થઈ નિયત સમયે જ પોતાનું પ્રવચન શરૂ કરી દે. આ જ પ્રમાણે તેમણે કોઈ પણ સમારંભનું આયોજન કર્યું હોય તો તેમાં નિર્દિષ્ટ સમયે તે શરૂ થઈ જ ગયું હોય અને સમાપન પણ નિશ્ચિત સમયે જ થાય. જો આપણે પાંચ મિનિટ પણ મોડા હોઈએ તો આપણે જ કંઈક ગુમાવ્યું હોય.
આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુના ‘આરામ હરામ હૈ’ સૂત્રને યથાર્થ રીતે જીવનમાં ઉતાર્યું હોય તો તે શ્રી કુમારપાળ દેસાઈએ. ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા સાથે સક્રિય રીતે સંકળાયેલા કુમારપાળભાઈ દિવસના ચૌદથી પંદર કલાક કામ કરે છે. ‘Work is Worship'માં માનતા કુમારપાળભાઈની કામ પ્રત્યેની આ નિષ્ઠા કોઈ પણ વ્યક્તિને માટે પ્રેરણાદાયી બની રહે તેવી છે.
સાહિત્યકાર શ્રી જયભિખ્ખુના એકમાત્ર સંતાન ડૉ. કુમારપાળ દેસાઈએ તેઓના પિતાશ્રીનો સાહિત્યવારસો તો સાચવ્યો જ છે, પરંતુ તેઓનો આતિથ્યવારસો પણ તેવો જ સુંદર રીતે જાળવી રાખ્યો છે. કુમારપાળભાઈનું આતિથ્ય અનેક વખત માણવાનો અવસર મને મળ્યો છે. મારા જેવા સામાન્ય માણસ સાથે પણ તેમનો વ્યવહાર મિત્રતાપૂર્ણ રહ્યો છે. તેમના ઘરમાં જમવાના સમયે મીઠાઈ તો અચૂક હોય જ. જમાડવામાં એવો મીઠો આગ્રહ હોય કે તમારે તેને વશ થવું જ પડે.
કુમારપાળભાઈના અનેક ગુણો એવા છે જેનું વર્ણન કરવા બેસતાં પુસ્તક લખાય. આમાં તેઓનો નિષ્ઠાગુણ પણ એટલો જ સ્વીકા૨વા જેવો છે. કોઈ પણ વ્યક્તિ માટે હોય કે સંસ્થા માટે હોય – તેમણે ક્યારેય તેમાં પીછેહઠ કરવાનું કદી સ્વીકાર્યું નથી. ‘ગુજરાત સમાચાર’માં વર્ષોથી
422
કર્મયોગ અને જીવનસાધના