________________
નર્મદ સાર્ધ શતાબ્દીને અનુલક્ષીને ૧૯૮૩ના ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ‘નર્મદઃ આજના સંદર્ભમાં' એ વિષય પર પરિસંવાદ યોજાયો. આ પરિસંવાદમાં ૨૭ જેટલા વક્તાઓએ ભાગ લીધો. વળી સામાન્ય રીતે પરિસંવાદ થયા બાદ એ વાત અને એ વિષયો ભુલાઈ જતાં હોય છે ત્યારે કુમારપાળ દેસાઈના સંયોજન હેઠળ થયેલા આ બંને પરિસંવાદની ફલશ્રુતિ રૂપે ‘નર્મદ : આજના સંદર્ભમાં અને ગુજરાતી બાળસાહિત્ય' એ બંને વિશેષાંકો રૂપે પ્રાપ્ત થયાં. આ રીતે ગુજરાતી સાહિત્ય પરિષદના એક મંત્રી તરીકે એમણે એની સાહિત્યિક પ્રવૃત્તિમાં જીવંત રસ લીધો.
આ સમયગાળામાં કુમારપાળ દેસાઈના વિદેશ પ્રવાસોનો પ્રારંભ થયો. ૧૯૮૪માં ચંદેરિયા ફાઉન્ડેશનના નિમંત્રણથી તેમણે અમેરિકા અને બ્રિટનનો પ્રવાસ કર્યો. બંને દેશોની સાહિત્યિક તેમજ સંસ્કારજીવનની મહત્ત્વની સંસ્થાઓમાં પ્રવચન આપ્યાં. અમેરિકાની લિટરરી ગુજરાતી અકાદમીના ઉપક્રમે “આધુનિક ગુજરાતી સાહિત્યની ગતિવિધિ’ વિશે તેમજ ત્યાંના લેખકોએ તૈયાર કરેલ “અસ્મિતા' સામયિકના પ્રકાશન સમયે પ્રેરક વક્તવ્યો આપ્યાં તથા સાહિત્યસંસ્થાઓના પરસ્પર સહયોગ અંગે ચર્ચાવિચારણા કરી. આ ઉપરાંત જૈન સેન્ટર ઓફ અમેરિકાના ઉપક્રમે ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં તથા જૈન સમાજ, યુરોપ દ્વારા બ્રિટનમાં જૈનદર્શન અંગે તેમનાં પ્રવચનો યોજાયાં હતાં.
એમની મૈત્રીના આ આરંભકાળનું સ્મરણ કરતાં રોમાંચનો અનુભવ થાય છે!
તેમની સાહિત્યિક સિદ્ધિઓ અને વિલક્ષણ વ્યક્તિત્વ અને વક્તવ્યમાં મેઘધનુષ્યના સાત રંગોની સૌંદર્યાનુભૂતિ થાય છે. નિસ્પૃહી સાહિત્યોપાસના, સમાજસુધાર, લોકકલ્યાણ, વિશ્વબંધુત્વ, પ્રેમ-અહિંસાના પ્રવચનો દ્વારા મૂલ્યનિષ્ઠ આધ્યાત્મિક જીવનદર્શન કરાવવાનો તેમનો અભિગમ તેમની સમગ્ર શબ્દસૃષ્ટિમાં દૃષ્ટિભૂત થાય છે. સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની ત્રિમૂર્તિ એવા શ્રી કુમારપાળ દેસાઈને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તે સમગ્ર ગુર્જર ધરાનું અભિવાદન છે.
પ્રસન્ન મુખારવિંદ, સ્નેહસભર વ્યવહાર, સર્વ સાથે ઉષ્માપૂર્ણ સંવાદ અને પ્રેમપૂર્ણ સહકાર એ છે તેમની જીવનશૈલીનો મર્મ, જનસેવા એ જ પ્રભુસેવા’ એ જ જીવનમંત્ર આ કર્મવીર કેળવણીકાર આજેય અનેક સંસ્થાઓમાં સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે.
ગળથુથીમાંથી જ સાહિત્ય, સંસ્કૃતિ અને સેવાના સંસ્કાર પ્રાપ્ત કરનાર કુમારપાળના કાર્યક્ષેત્રનો વ્યાપ વિશાળ અને વૈવિધ્યસભર છે. કુમારપાળ હજુ ઉત્તરોત્તર સિદ્ધિનાં સોપાનો સર કરે એવી શુભ કામના.
453 પ્રફુલ ભારતીય