________________
જોયા. દરેક પરિસ્થિતિનો નિકાલ તેઓ શાંત રહીને લાવી શકે છે, એટલું જ નહીં પણ એ શાંત સ્વભાવનો પ્રભાવ સામી વ્યક્તિને પણ શાંત કરી શકે એવો અંગત અનુભવ તેઓ ઘણાને કરાવે છે.
જ્યારે કોઈ પણ કાર્યની જવાબદારી તેઓ સ્વીકારે છે ત્યારે તે કાર્યની સંપૂર્ણ વિગત સંક્ષિપ્તમાં સમજી લેવાની તેમની ખૂબી છે. ત્યારબાદ એ કાર્યનું નિષ્ઠાપૂર્વક અને ઝડપભેર તેઓ આયોજન કરે છે. કોઈ પણ કાર્ય અધૂરું છોડવાની તેમની આદત નથી અને કાર્યમાં મુશ્કેલીઓ આવે તો એનું નિવારણ કરવામાં શ્રી કુમારપાળભાઈ પોતાની બધી શક્તિઓને કામે લગાડી દે છે એવું ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીનાં અનેક કાર્યમાં બન્યું છે.
સત્યના આગ્રહી પરંતુ કદાગ્રહ, હઠાગ્રહ અને દુરાગ્રહથી તેઓ સદા દૂર રહે છે. સત્યને સમતાભાવે અને પ્રિય વાણીમાં રજૂ કરવાની કલાથી, હકીકતને નિર્ભયતાથી રજૂ કરવાની આવડતથી ક્ષુબ્ધ, અશાંત કે વિવાદગ્રસ્ત વાતાવરણને શ્રી કુમારપાળભાઈ શાંતિ બક્ષે છે.
મારો અને શ્રી કુમારપાળભાઈનો સહવાસ ફક્ત અમદાવાદ સુધી મર્યાદિત નથી. સંસ્થાના પ્રસંગોમાં અનેક પ્રવાસ અમે સાથે ખેડ્યા છે એટલે હું વિશ્વાસપૂર્વક કહી શકું કે તેમનું માનસન્માન પણ અમર્યાદિત છે. તેઓએ ભારતમાં જ નહિ, પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સમાજમાં અને સરકારમાં ચાહના અને માન સંપાદન કરેલ છે જેને માટે તેઓ સદા અને સદંતર યોગ્ય છે.
અંતમાં, પશ્ચિમ જગતની એક ઉક્તિ છે: “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો સહકાર હોય છે.” શ્રી કુમારપાળભાઈની જગવિખ્યાત સફળતાઓમાં શ્રીમતી પ્રતિમાબહેનનું યોગદાન ભારોભાર છે એમ નહીં કહું તોપણ તેઓ મને હંમેશની માફક પ્રેમથી જ જમાડશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે, તોપણ, જે સત્ય છે તે તો સત્ય જ છે એટલું તો મારે શ્રી કુમારપાળભાઈ પાસેથી શીખવું જ જોઈએને?
કુમારપાળભાઈનું જીવન સદા શાંતિમય, સુખમય, આરોગ્યમય અને યશસ્વી રહે એ જ શુભ ભાવના.
OBE, વાઇસ ચેરમેન, ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજી (બ્રિટન) અને ઉદ્યોગપતિ
450
મૈત્રી -મોંઘી મૂડી