________________
વિવેકપૂત વ્યવહાર-વાણી-વર્તનથી એમણે પોતાનો અને સાથે પોતાના વાચકસમાજનો સમુત્કર્ષ નજરમાં રાખ્યો. તેથી તેમના દ્વારા થતા મંડળ-સંસ્થા વગેરેના સંચાલનમાંયે સમતા ને રૂડપનો સુયોગ સાધી શકાયેલો જોઈ શકાય એમ છે.
કુમારપાળ મહાજનપરંપરાના નબીરા છે. મુત્સદ્દીપણું ને માણસાઈ – બેયની સમતુલા દ્વારા એમણે જાહેરજીવનનાં કાર્યો સલુકાઈથી નિપટાવવાની કળા બરોબર આત્મસાત્ કરી છે. કશું કટુકઠોર નહીં ને કશું વરવુવિકૃત નહીં. બેઠક બાંધવી તે બેઠક ચલાવવી. કુમારપાળને આ ફાવે. કારકિર્દી ને કીર્તિ – બંનેય ગમે, પણ “કુમારપાળત્વના ભોગે નહીં. એમની વસેકાઈ વ્યવહાર અને ભાવભાવના વચ્ચેની સેતુરચના નિભાવવામાં જોઈ શકાય છે.
કુમારપાળે પત્રકારત્વનો ધર્મ સુપેરે પાળવા સાથે અધ્યાપક ને સાહિત્યોપાસકનો ધર્મ જાળવવામાં જે સજાગતા ને સક્રિયતા દાખવી છે તેનીયે નોંધ લેવી જોઈએ.
જે રીતે તેઓ ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથે, પત્રકારત્વ સાથે અને જૈનધર્મનાં ઉમદા કાર્યો સાથે સંલગ્ન છે તે જોતાં નજીકના ભવિષ્યમાં ગુજરાતને એમની સંસ્કારસેવાનાં અનેક મીઠાં ફળ માણવા મળશે એમ કહી શકાય. એમનો નિવૃત્તિકાળ એમની સંસ્કારપ્રવૃત્તિઓનો સુવર્ણકાળ પણ બની રહે એવી શુભેચ્છાઓ.
438 ચન્દ્રકાંત શેઠ