________________
સ્નેહાળ દાદાજી અને આપ્તજનોના આદરયુક્ત સદ્ભાવ – આ બધાંનું સરવૈયું આ વિશિષ્ટ વ્યક્તિત્વ પાંગર્યું તેના મૂળમાં છે એમ હું માનું છું.
નાનામાં નાની વ્યક્તિ પ્રત્યે માનવતાપૂર્ણ નેહભર્યો વ્યવહાર અને પ્રસંગમાં ઓતપ્રોત થઈ જવાની કુદરતી બક્ષિસ તેમનામાં છે. પછી ભલે ને ભાદર નદીના કાંઠે, એક બાવાજીએ સુંદર શંકરનું મંદિર – સ્વાશ્રય અને સમર્પણથી બાંધ્યું હોય – તેવી વ્યક્તિ સાથે પણ તાદાસ્ય સાધી એના જીવનને સાહિત્યની સાક્ષી સ્વરૂપે કુમારભાઈએ નિરૂપ્યું. એ જ રીતે વિશ્વકોશની પ્રવૃત્તિઓ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીનું ભારત ખાતેનું કાર્ય વગેરે આ જેનરત્ન કુમારપાળભાઈએ એવી રીતે હસ્તગત કર્યું છે કે બહુમુખી પ્રતિભામાં કયું વ્યક્તિત્વ એકબીજાથી ચડે એની સ્પર્ધા સમું લાગે. - આવું પરમ પુરુષાર્થી, માનવતાથી મહેંકતું, નિષ્ઠાથી પાંગરતું અને ઉચ્ચતમ શિખરો સર કરવાની તેનસિંગી દૃષ્ટિવાળું આ ભારતનું વિશિષ્ટ વ્યક્તિત્વ સોળે કળાએ ખીલો અને ફરીવાર માત્ર પદ્મશ્રી – જેની પ્રત્યેક પાંખડીએ વસંતનો ટહુકો છે – એનો પમરાટ દશે દિશામાં ફેલાઓ એવી શુભેચ્છા.
હું એમના પ્રત્યે ઊંડા આત્મભાવની લાગણી સાથે અને અંતરની અનેક શુભાશિષો સાથે વિરમું છું અને પૂ. સંતબાલજીના શબ્દોમાં કહું તોઃ
પગલે પગલે સાવધ રહીને, પ્રેમળતા પ્રગટાવી જા, અંતરને અજવાળે “કુમાર” - પંથ તારો કાયે જા.
336 પુણ્યોદયી પળોમાં