________________
જુદાં સ્ટેડિયમો અને મેદાનો વિશે માહિતી હોય, જે તે વર્ષની ઓલિમ્પિક, એશિયાડ કે ક્રિકેટ વર્લ્ડ કપનાં કવર્સ હોય – આમાં અદ્યતન માહિતીની નોંધ કે કટિંગ્સ હોય, ફોટોગ્રાફ હોય. આથી ચંદુ બોરડે જેવા ખેલાડીએ તો કુમારપાળભાઈના એમને વિશેના કવર્સ જોઈને આશ્ચર્ય અનુભવ્યું હતું અને પોતાને વિશેનાં બધાં મહત્ત્વનાં કટિંગ્સ અને ફોટોગ્રાફ માગી લીધાં હતાં!
અનેક ક્ષેત્રોમાં લેખન કરનારી વ્યક્તિ પાસે એક જ વિષયનો આટલો માહિતીસંગ્રહ આશ્વર્ય જ પમાડે ! આજે ભારતમાં આટલી સમૃદ્ધ અને રમતગમતનાં અનેક ક્ષેત્રોની લાઇબ્રેરી ધરાવનારો કોઈ સ્પોર્ટ્સ સમીક્ષક મારી જાણમાં નથી. આ પ્રબળ પરિશ્રમ પાછળનું મુખ્ય કારણ તો વાચક પ્રત્યેની નિષ્ઠા છે. વાચકને પ્રમાણભૂત માહિતી આપવાનો નિર્ધાર છે. શરૂઆતમાં પ્રત્યેક મૅચની દરરોજ સમીક્ષા લખવાનું શરૂ કર્યા પછી કુમારપાળભાઈએ રમતનું પૃથક્કરણ કરવાનું શરૂ કર્યું.
કૉલમ ઉપરાંત તેમણે રમતગમતની પ્રવૃત્તિનો શોખ વિકસે અને એના ચાહકોને માહિતી મળે તે માટે સ્પોર્ટ્સ ઉપર અત્યારસુધીમાં ૩૦૦ જેટલાં પ્રવચનો આપ્યાં છે. તેમની રજૂઆતની શૈલી ખૂબ સુંદર હોય છે જેમાં હકીકત તેમજ આંકડાઓનું સુંદર સંયોજન હોય છે. ભાષા ઉપરના સુંદર કાબૂને લીધે તેમની રજૂઆત આકર્ષક રહેવા પામી છે. દરેક રમત અને તેના ખેલાડીઓનું વર્ણન કરવાની તેમની આબેહૂબ શક્તિ છે.
ટેનિસ અને હૉકી, બૉક્સિંગ કે બેઝબોલ હોય, કુમારપાળ દેસાઈએ દરેક રમતને સરખો ન્યાય આપ્યો છે. એટલું જ નહિ પણ કેલિફોર્નિયાના બેઝબોલના તેમજ વિમ્બલ્ડનના ગ્રાસકોર્ટનું વર્ણન એટલી સરસ રીતે કરે કે વાચક ત્યાં પ્રત્યક્ષ હાજર હોય એમ લાગે. આમ ભાષાનો કાબૂ સુંદર શૈલી, રમતનું સંપૂર્ણ જ્ઞાન અને આગવી છટાથી કરાયેલા વર્ણનથી, રજૂઆતથી તેમની કૉલમ ચાર દાયકાથી પણ વધારે સમયથી લોકપ્રિય બની છે.
માત્ર કૉલમ લખીને સંતોષ માનવાને બદલે કુમારપાળભાઈએ સ્પોર્ટ્સનાં પુસ્તકો લખ્યાં. આ દરેક પુસ્તક એકબીજાથી તદ્દન અલગ છે. તેમણે લખેલાં પુસ્તકોમાં ‘હાઉ ટુ પ્લે ક્રિકેટ અને અપંગનાં ઓજસ' ખૂબ લોકપ્રિય બન્યાં છે.
પોતાની કૉલમમાં ગુજરાતના કે ગુજરાતી ખેલાડીઓને હંમેશાં પ્રોજેક્ટ કર્યા છે, જેમાં વિજય મર્ચન્ટ, વિનુ માંકડ, નરી કોન્ટ્રાક્ટર, રૂસી સુરતી, સલીમ દુરાનીથી માંડીને ધીરજ પરસાણા, દિલીપ દોશી, ઉદય જોષી, હેમાંગ બદાણી, પાર્થિવ પટેલ તેમજ ઇરફાનખાન પઠાણ સુધીના અનેક ખેલાડીઓનો સમાવેશ થાય છે.
સાચી માહિતી આપવી તેમજ ગૉસિપથી દૂર રહેવું તે કુમારપાળભાઈનું આગવું પાસું છે. નિષ્પક્ષપણે અને નીડરતાથી પોતાની રજૂઆત કરી શકે તે માટે તેમણે રમતગમતની કોઈ
406 વિરલ અને અદ્વિતીય રમતસમીક્ષક