________________
કુમારપાળ દેસાઈની સાથે કામ કરતાં કરતાં મને ઘણું પદ્ધતિસરનું કામ શીખવા મળ્યું. મારા પર તેમની કાર્યપદ્ધતિનો ઘણો મોટો પ્રભાવ પડ્યો. મેં પણ તેમની જ શૈલીથી લેખન કરવાનો પ્રયત્ન કર્યો.
અમદાવાદમાં જ્યારે પણ ક્રિકેટની ટેસ્ટમૅચ કે વન-ડે મેચ યોજાતી ત્યારે સ્ટેડિયમના પ્રેસ બૉક્સમાં અમે સાથે જ બેસતા. મને તેમની સાથે બેસવામાં ઘણું ઘણું નવું શીખવાનું મળ્યું. મૅચ શરૂ થતાં પૂર્વે તેઓ કાગળની ત્રણ-ચાર નાની-નાની નોટ્સ તૈયાર કરતા. એકમાં તેઓ મૅચનો અહેવાલ લખતા જતા. બીજામાં કોઈ નોંધપાત્ર ઘટના બને તેની નોંધ કરતા. ત્રીજામાં તેઓ ઓવરદીઠ રનસંખ્યા, સ્કોર, બૅટ્સમેન – બૉલરની કોઈ ઘટના વગેરેની નોંધ કરતા.
કુમારપાળ દેસાઈ સાથેનો પ્રેસ બૉક્સમાંનો એ સત્સંગ મને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થઈ પડ્યો. હું અમદાવાદમાં કે અમદાવાદ બહાર મૅચનું કવરિંગ’ કરવા જતો ત્યારે કુમારપાળ દેસાઈની શૈલી મુજબ જ કામ કરતો અને સાંજે પ્રેસમાં પહોંચતા સુધીમાં મારો અહેવાલ, સ્કોરબોર્ડ, મેચના હાઇલાઇટ્સ, અન્ય વિગતો બિલકુલ તૈયાર રહેતાં અને પ્રેસમાં જતાની સાથે મારે બધી જ કૉપીઓ કંપોઝમાં આપવાનું જ બાકી રહેતું.
- કુમારપાળ દેસાઈએ માત્ર અખબારી ક્ષેત્રે જ નહીં, આકાશવાણી અને ટેલિવિઝન ક્ષેત્રે પણ વિવિધ વિષયો પર વક્તવ્યો આપીને મહત્ત્વનું પ્રદાન કર્યું. તેઓ પોતાના મિત્રોને પ્રોત્સાહન આપવામાં ક્યારેય પાછી પાની કરતા નહીં. તેમના ભાષણોના કેટલાયે કાર્યક્રમોમાં મેં હાજરી આપેલી. તેમનું વક્તવ્ય એટલું રસિક બનતું કે ઊઠવાનું મન જ ન થાય.
કુમારપાળ દેસાઈએ રમતગમતવિષયક અનેક પુસ્તકો લખ્યાં, જેના અન્ય ભારતીય ભાષાઓમાં પણ અનુવાદ થયા. વર્ષો સુધી ગુજરાત સમાચારમાં રમતનું મેદાન' નામની કટાર તેમણે રવિવાર પૂર્તિમાં સંભાળી. તેઓ કહેતા કે, “લેખન વિગતપૂર્ણ, પ્રમાણભૂત અને રસપ્રદ હોય તેટલું વિશેષ વાચનસભર બનતું હોય છે. વાચકોને પણ વાંચવું ગમે છે.”
પહેલાં અમદાવાદમાં જ્યારે પણ પ્રવાસી વિદેશી ક્રિકેટ ટીમો સામેની મેચ યોજાતી ત્યારે ‘વિશેષાંકો પ્રકાશિત થતા જેમાં કુમારપાળ દેસાઈનો ક્રિકેટ જંગ' વિશેષાંક ટોચ પર રહેતો, વિશેષ વેચાતો હતો. કુમારપાળ દેસાઈએ અનેક વિશેષાંકો બહાર પાડ્યા. આ ક્ષેત્રમાં પણ તેમનું સૌથી મોટું પ્રદાન છે.
ગુજરાતી વિશ્વકોશમાં રમતગમત વિભાગના અધિકરણો લખવાનો તેમણે મોકો આપ્યો હતો. “ગુજરાતી વિશ્વકોશના રમતગમત વિભાગમાં મારા જેવા અનેક રમતગમત-લેખકોનો પ્રવેશ પણ કુમારપાળ દેસાઈના રમતગમત-પ્રેમને જ આભારી છે. “હીરો” પારખનારા તેઓશ્રી એક ઉત્તમ ઝવેરી છે.
4li
જગદીશ બિનીવાલે