________________
રમતગમતનાં લખાણોમાં કુમારભાઈ આપણા રમતવીરોમાં હંમેશાં અગાધ આસ્થા ધરાવતા. ભારતના વિજયોને પ્રશંસાનાં પુષ્પોથી નવાજતા. ખેલાડીઓની પ્રતિભાનાં દર્શન કરાવતાં તેઓ ક્યારેય થાકતા નહીં પરાજિત ટીમને કે અસફળ રમતવીરોને ઉતારી પાડવાનો કુમારપાળભાઈએ અજાણે પણ ક્યારેય પ્રયાસ કર્યો નથી.
કુમારપાળભાઈ ધર્મની આરાધના કરે છે. સાહિત્યની સેવા તેમની રગેરગમાં જોવા મળે છે. રમતગમતના કટારલેખક તરીકે તેમની રમત પ્રત્યેની ભક્તિ અને રમતવીરોને બિરદાવવાની તેમની આવડતને કારણે કુમારપાળભાઈને જહોન આર્લોટ, બોબી તાત્યારખાન, અનંત સેતલવાડ ઉપરાંત સુશીલ દોશી અને સ્કંદગુપ્ત જેવા ક્રિકેટ કોમેન્ટેટરોની અગ્રિમ હરોળમાં મૂકી શકાય. ગુજરાતના ગૌરવમાં વિશ્વભરમાં હરહંમેશ તેમના માનીતા વિષયોમાં યુગાન્તર સુધી ખ્યાતિ જળવાઈ રહે તેવા સિદ્ધપુરુષના પ્રશંસક અને ચાહક તરીકે સ્નેહીમિત્ર બનવાનો મોકો આપવા બદલ સરસ્વતી દેવીનો ઋણી છું. ગુજરાતરત્ન, શિરોમણિ જેવા રમતગમતના વિવેચક તેમજ સાહિત્ય-સમ્રાટ અને જૈન ધર્મદર્શનના પ્રખર પ્રસારક તરીકે કુમારપાળભાઈ દેસાઈ તો મિત્રોના મહારથી અને સહપ્રવાસીઓના સફળ સુખકર્તા સાથી તરીકે જન્મોજન્મના દોસ્ત – યારોના યાર અને ક્રિકેટપ્રેમીઓના પરવાના તરીકે દિલમાં પહેલા બૉલથી છેલ્લા બોલ સુધી ચમકતા રહેવાના.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કોમેન્ટેટર, રમત-સમીક્ષક અને લેખક
આદર્શ અને અસાધારણ આરાધનામૂર્તિ