________________
એક પ્રચલિત ઇંગ્લિશ કહેવત છે : “A friend in need is a friend indeed''. કુમારપાળ સાથેના મારા ૪૫ વર્ષના મૈત્રીસંબંધો માટે મારી રીતે આ કહેવત હું આ રીતે દર્શાવું છું : “A friend is one who is the friend for ever and never to end.’' કુમારપાળ વિશે મિત્ર તરીકે અને વ્યક્તિ તરીકે એવા બે ભાગ હું પાડી શકતો નથી. કેટલાક માટે તેઓ માત્ર મિત્ર છે, કેટલાક માટે તેઓ માત્ર વ્યક્તિ (સમાજમાં આગળ પડતું સ્થાન ધરાવતી) છે. મારા માટે તેઓનું સમગ્ર વ્યક્તિત્વ ‘મિત્ર’ શબ્દમાં સમાઈ ગયું છે અને મારા સમગ્ર વ્યક્તિત્વમાં તે ‘મિત્ર’ વણાઈ ગયો છે. અમે સાથે અભ્યાસ અને અધ્યયન કર્યું. એક સમય એવો હતો કે અમે ન મળી શકીએ તો બંનેને બેચેની થાય. વર્તમાનમાં મહિનાઓ સુધી મળી શકાતું નથી, તો પણ મને તેઓની હાજરીની સતત અનુભૂતિ થાય છે.
કુમારપાળ સદાય હસતા, વ્યક્તિમાત્રને સમાન ગણનાર અને સમસ્યારૂપ પરિસ્થિતિમાં રહેલ વ્યક્તિ માટે જીવનની ‘પરબ’ છે. તેમણે અદ્ભુત અને વિવિધ ક્ષેત્રે લેખન, વાચન વગેરે સાથે આચરણ પણ કરેલ છે. વર્તમાનમાં તેમની દિનચર્યા અત્યંત વ્યસ્ત હોવા છતાં ડૉ. કુમા૨પાળ દેસાઈ તો પરમ મિત્ર કુમારપાળ દેસાઈ જ છે. તેમાં કોઈ ફેરફાર થયો નથી.
પિતાશ્રી શ્રી બાલાભાઈ દેસાઈ(જયભિખ્ખુ)નો સાહિત્યનો વારસો કુમારપાળને મળ્યો છે પણ તેમના વ્યક્તિત્વ-વિકાસમાં તેમનાં માતુશ્રી ‘જયા-બા’નો મૂક, પણ અમૂલ્ય ફાળો છે. ફરી એક વાક્ય યાદ આવે છે : “The man is the provider and the woman is the preparer.’ આ દૃષ્ટિએ પિતાશ્રી જયભિખ્ખુએ આપણને કુમા૨પાળ Provide કર્યા અને માતુશ્રી જયાબાએ કુમારપાળને Prepare કર્યા. આમ દેહ જૈન’નો પણ સમગ્ર માનવજાતના આદર્શ પ્રતિનિધિ તરીકે ડૉ. કુમારપાળ દેસાઈ જીવતા રહ્યા છે.
અમે સાથે અધ્યયન અને અધ્યાપન કર્યું તે સમયગાળો અમારો સુવર્ણયુગ હતો. મારા અર્થઘટન પ્રમાણે ડૉ. કુમારપાળ દેસાઈ એટલે તેમના સમગ્ર અસ્તિત્વનો અણુએ અણુ માનવ-માનવ અને માનવ જ. આ લક્ષણ તેમના લેખન અને વક્તવ્યમાં સ્પષ્ટપણે પ્રગટ થાય છે. કોઈ દેખીતા પ્રયત્ન વિના જ અન્યને પોતાના તરફ ખેંચી લે છે અને તેના હૃદયમાં કાયમી સ્થાન મેળવી લે છે.
એ કહેવાની જરૂર નથી કે અધ્યયન અને અધ્યાપનની સાથે સાથે જ કુમારપાળનાં સંશોધન અને લેખનકાર્ય ચાલુ જ હતાં. લાંબા સમય સુધી તનતોડ અને મનને થકવી નાખે તેવું સંશોધન મધ્યકાળના કવિ ‘આનંદઘનજી' વિષે કરીને ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉત્કૃષ્ટ પદવી પ્રાપ્ત કરી. તેની સાથે સંકળાયેલો એક પ્રસંગ નોંધવાનું મન થાય છે. કુમારપાળ પીએચ.ડી. થયા ત્યારે તેમને નવાજવા માટે નવગુજરાત કૉલેજ(નવગુજરાત પરિવાર)ના સર્વ સહકર્મચારીઓએ સમારંભનું આયોજન કર્યું. સાથી મિત્રોએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી. તે
387 મનોજ જાની