________________
પછી ડૉ. કુમારપાળ દેસાઈએ પોતાનું વક્તવ્ય આપ્યું. તેમણે તેમની સિદ્ધિમાં મિત્રોએ આપેલ સહકાર બદલ આભાર માન્યો. હું એ ક્ષણ કદી વિસરી શકતો નથી કે કુમારપાળે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે “મને પીએચ.ડી. પ્રો. મનોજ જાનીએ કરાવ્યો. સભાએ કુમારપાળને નવાજ્યા, તો કુમારપાળે મને નવાજ્યો અને તેમના વ્યક્તિત્વની ઉદાત્તતા અને પોતાની સિદ્ધિનો યશ મિત્રને આપવો તેનો મને અનુભવ કરાવ્યો. સરેરાશ વ્યક્તિ કરતાં વધુ ગુણલક્ષી કાર્ય કર્યું હોય તેના પ્રભાવ માટે મૂઠી ઊંચેરો માનવી' એવું વિશેષણ કહેવાય છે. ડૉ. કુમારપાળ દેસાઈ માટે આ વિશેષણ નાનું પડે તેમ છે, કારણ કે તેમના વ્યક્તિત્વનું માપ લેવા માટે એક મૂઠી નહિ પણ આકાશ સુધી પહોંચતાં પણ માપ લેવાનું અપૂર્ણ જ રહે છે. હું મિત્ર છું તેથી વધારે પડતું લાગે તો ક્ષમા કરજો, પણ મારો મત બદલાવાનો નથી.
ઈ. સ. ૧૯૬૬ની સાલમાં એક દિવસ કાંકરિયા તળાવની પાળે હું લટાર મારતો હતો ત્યાં કુમારપાળ મને મળ્યા. તેમની સાથે સર્વસુંદર એવી પ્રભાવિત થઈ જવાય તેવી યુવતી હતી. એ યુવતીની ડૉક્ટરે મને આવી રીતે ઓળખાણ કરાવી ?!! – “દોસ્ત, થોડા દિવસથી આ છોકરી મારી પાછળ પડી છે.” એક ક્ષણ મારા મનમાં ખળભળાટ થયો, બીજી ક્ષણે મેં મારી જાતને સંભાળી એટલે બધી સમજણ પડી ગઈ. થોડા દિવસ બાદ કુમારપાળ અને પ્રતિમાબહેન લગ્નગ્રંથિથી જોડાયાં. હું પણ થોડા દિવસમાં પરણ્યો. આમ અભ્યાસ અને અધ્યયનની જેમ અમે લગ્નજીવનની પણ સાથે શરૂઆત કરી. કોઈ પણ પુરુષની સિદ્ધિઓ પાછળ હંમેશાં એક સ્ત્રી રહેલી છે.' આ ઉક્તિની બાબતમાં કોઈને પ્રમાણ જોઈતું હોય તો પ્રતિમાબહેનને મળવા મારી ભલામણ છે.
લગ્નજીવનના પરિપાક રૂપે તેઓને બે પુત્રો થયા. મોરનાં ઈંડા ચીતરવાનાં ન હોય. કુમારપાળ અને પ્રતિમાબહેને બંને પુત્રોને ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર આપ્યાં. આજે તો બંને પુત્રો લગ્નજીવન અને વ્યવસાયમાં પરિપક્વ થઈ ગયા છે અને પોતાના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ સાધી ચૂક્યા છે.
વ્યક્તિગત અને વ્યક્તિલક્ષી દષ્ટિએ કુમારપાળે જે છે તેની સાથે સાથે વસ્તુલક્ષી દૃષ્ટિએ જોઈએ તો કુમારપાળે સાહિત્યક્ષેત્રે અમાપ અને અમૂલ્ય કાર્ય કર્યું છે. સમાજ પ્રત્યે પણ કુમારપાળે જે કાંઈ કર્યું છે તે સર્વ પણ અમાપ અને અમૂલ્ય છે. તેમનાં લેખન, વ્યાખ્યાન અને સંપાદનક્ષેત્રનાં કાર્યોએ સમાજના સર્વ માનવીને જરૂર પ્રમાણે રાહ ચીંધ્યો છે. ધર્મ એટલે ફરજ એ અર્થમાં જૈન સમાજમાં પણ વિશ્વવ્યાપી અધ્યયનો, વ્યાખ્યાનો, લેખન, સંપાદન અને સંશોધનો કર્યા છે. કુમારપાળ સર્જક તો છે જ, વળી વિવેચક પણ છે જે તેમના કાર્યમાં મુશ્કેલ કહી શકાય. તે પણ તેમણે મૃદુ લાક્ષણિકતાથી તેમજ વેધક રીતે સફળતાપૂર્વક કર્યું છે.
388
મારા પ્રિય મિત્ર 'ડૉક્ટર'