________________
રમાતી હોય એટલી સ્વાભાવિકતાથી, સ્વસ્થતાથી અને મૅચની પરિસ્થિતિને અનુકૂળ એનું વર્ણન કરતા. જરૂર પડે નિષ્ણાત તરીકે બૉલિંગ તથા બેટિંગની ખૂબીઓ સમજાવતા અને પ્રેક્ષકોને રસતરબોળ કરતા. ક્રિકેટના કસબ વિશેનો એમનો અભ્યાસ અને એમના અવાજમાં રહેલી સ્કૂર્તિ અને હકારાત્મક ભાવ સૌને સ્પર્શી ગયાં. આવી જ રીતે એમણે વર્લ્ડ કપ ફૂટબૉલની પણ રજૂઆત કરી હતી.
કુમારપાળભાઈ સાથેનો આ પ્રથમ પરિચય. ત્યારે હું આકાશવાણી તરફથી નિર્દેશક તરીકે ટીવીમાં હતો અને જોધપુર ટેકરાની કચેરીમાં ઇસરો સાથે આ પ્રયોગની વ્યવસ્થામાં ભાગ લેતો.
તે પછી કુમારપાળભાઈને વક્તા તરીકે સાંભળવાનો લહાવો મળ્યો. આકાશવાણીમાં રહીને ખૂબ વક્તાઓને સાંભળ્યા છે અને મનોમન મૂલવ્યા છે. કોઈ એમ કહી શકે કે અધ્યાપક અથવા પ્રાધ્યાપકમાં વıત્વશક્તિ હોય છે. પણ આ સાવ સાચું નથી. કૉલેજના વિદ્યાર્થીઓને સંબોધન કરવાનું હોય કે સંશોધન માટે માર્ગદર્શન આપવાનું હોય ત્યારે અધ્યાપકોનું સ્વરૂપ જુદું હોય છે.
જાહેરમાં વ્યાખ્યાનો આપવાં એ આગવી કળા છે. જાહેર વ્યાખ્યાન આપનાર સૌ કોઈ સભારંજક વ્યાખ્યાન આપી શકતા નથી. માનવેન્દ્રનાથ હોય – ચિંતનશીલ અને વિચારક – દુનિયાભરની બધી જ ક્રાંતિઓ પ્રસંગે ત્યાં હાજર, પણ વ્યાખ્યાતા તરીકે નબળા. શામળદાસ ગાંધી સભાઓ ગજવે, પ્રેક્ષકોને ધ્રુજાવી મૂકે, પણ એ શૈલી જ જુદી. જ્યારે કુમારપાળભાઈનું વક્તવ્ય એમના અભ્યાસ અને ચિંતનના નિચોડ સમું એમના ભાષાજ્ઞાનને અનુરૂપ. પ્રેક્ષકોને સમજીને વિષયને અનુરૂપ વક્તવ્ય રજૂ કરવું એ એમનું ધ્યેય. એમનો વાણીપ્રવાહ પ્રેક્ષકોને સાથે લઈને વહે. સભાસંચાલન હોય કે જ્ઞાનસત્રનું પ્રમુખપદ હોય, પર્યુષણ વ્યાખ્યાનમાળા હોય કે એકવીસમી સદીનું બાલસાહિત્ય જેવો વિષય હોય – કોઈ પણ વિષય પર નિષ્ણાતની અદાથી અને છતાં લોકભોગ્ય શૈલીમાં કુમારપાળભાઈ રજૂ કરી શકે. ઘણી વાર પ્રસંગો વર્ણવીને કે અવતરણો ટાંકીને (અવતરણો લાંબાં હોય તો જ લખાણની મદદ લેવાની – બાકી સ્મૃતિને આધારે) પોતાનું વક્તવ્ય એટલી સહજતાથી રજૂ કરે કે એમાં એમના ચિંતનનો કે અભ્યાસનો ભાર પ્રેક્ષકોને ન લાગે. કેટલીક વાર તો છેલ્લી ઘડીએ સભાનું સંચાલન હાથમાં લેવું પડે. હસમુખા અને સામેની વ્યક્તિને મદદરૂપ થવાની ઇચ્છા ધરાવતા કુમારપાળભાઈ ના ન પાડે – પણ પ્રેક્ષકોને ખ્યાલ સુધ્ધાં ન આવે એવા પ્રકારનું પ્રકારનું સંચાલન સભાનું હોય કે સેમિનારનું હોય – એ કુમારપાળભાઈ જ કરી શકે. એમનાં વર્ણનો દ્વારા કોઈ પણ વ્યક્તિનું માનસચિત્ર એ પ્રેક્ષકો સમક્ષ ખડું કરી શકે. એમની અખબારમાં ચાલતી કટારો વાંચો તો એક વિશિષ્ટ શૈલી દ્વારા શબ્દચિત્ર રજૂ કરવાની એમની કુનેહ એમનાં લખાણોને જીવંત બનાવે છે.
400 અનન્ય પ્રતિભા