________________
એ એમની પાયાની માન્યતા હશે. અનેકાન્તને વ્યવહારમાં પામનાર વ્યક્તિ તે કુમારપાળભાઈ છે, એમને કોઈ સામે ફરિયાદ નથી, કોઈની અસૂયા કરવાનો સમય નથી. પોતાના સિવાય કોઈની સાથે હરીફાઈ કરવાની ઇચ્છા નથી.
વખતોવખત અમેરિકા જનાર કુમારપાળભાઈ જ્યારે નાયગરા ધોધ જોવા જતા હશે ત્યારે એમને જોઈને નાયગરા ધોધને વિચાર થતો હશે – જો માણસનું રૂ૫ મારે લેવાનું હોય તો હું અસલ આવો હોઉં.
પોતાની વગનો ઉપયોગ સમાજહિત માટે કરવો એ એમની વિશેષતા છે. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ અને ધર્મ – બધું જ આજના જીવનને કેમ ઉન્નત બનાવે, પ્રમાદની જ્યાં જૂની જાગીરો છે એવા ભારત દેશમાં યુવાનોને નવી દિશા કેમ મળે એ એમની પ્રવૃત્તિઓની નેમ છે.
હું મારા ગુરુઓની બાબતમાં ખૂબ જ શ્રીમંત – નસીબદાર છું. મારે કુમારપાળભાઈ પાસે પીએચ.ડી. કરવાનું આવ્યું. એમણે બધું આયોજન કરી આપ્યું. જરાય ગુરુપણું દેખાડ્યું જ નહિ. ડિગ્રી મળ્યા બાદ મુંબઈમાં મિત્રોએ તેજપાલ હૉલમાં કાર્યક્રમ રાખ્યો. ગુરુજી પોતાનું ટિકિટભાડું ખર્ચીને આવ્યા. પ્રસંગને ઉત્સવ બનાવી દીધો. “સ્વામી આનંદનું જીવન અને કાર્ય એ વિષયમાં મને જે જ્ઞાન એમણે આપ્યું તે અદ્ભુત છે. ગુજરાતી ગદ્યને પામવાની કૂંચી આપી દીધી.
એ મર્યાદાઓ બધાની જાણે, પણ મર્યાદાઓ એમને નડે નહિ. એ તો હીરને પારખી જાણે. દરેક માણસ પાસે કંઈક ઉત્તમ હોય છે, તે બહાર લાવવા સહાયક થવું એ એમનો ઉદ્યમ. તેઓ મોટાઓની સાથે ચાલે છે અને નાનાઓને સાથે રાખે છે. ખરેખર તો એમના સાંનિધ્યમાં કોઈ નાનુંમોટું હોતું જ નથી. બધા કુમારપાળ મહારાજાની છત્રછાયામાં પ્રસન્ન હોય છે. એમને વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ છે. સત્કાર્ય માટે દાન આપનારને પૂર્ણ વિશ્વાસ હોય છે કે એ દાન ઊગી નીકળશે અને એવું જ થાય છે.
શિક્ષક હોય એને વહીવટ ન ફાવે, વહીવટકારને સાહિત્ય ન સદે, સાહિત્યકારને રમતગમતમાં રસ ન પડે, ખેલકૂદના રસિયાને ધર્મ-અધ્યાત્મ ન જામે અને ધર્મ-અધ્યાત્મના અભ્યાસીને બીજું ઘણું ન આવડે એવું સામાન્ય રીતે બનતું હોય છે. પણ એક જ માણસને આ બધું સરખું ફાવે એ તો અસામાન્ય જ કહેવાય. આપણાં દેવી-દેવતાઓને અનેક હાથવાળાં કલ્પવામાં આવ્યાં છે એ પ્રતીક કુમારપાળભાઈને જોતાં સારું લાગે છે.
હા, કુમારપાળભાઈને એક કામ નથી ફાવતું તે છે બગાસાં ખાવાનું. એમને બગાસું ખાતાં ભાગ્યે જ કોઈએ જોયા હશે. સર્જકતા, સમસંવેદન, સમાજહિત અને સંવાદની અદીઠ સરવાણીઓ એમને સદા પ્રસન્ન અને ચિરયુવા રાખે છે.
376
એક કામ એમને નથી ફાવતું