________________
અમારા ગુરુ બની રહ્યા. આકાશને આંખમાં ભરી તેની વિવિધતાને શબ્દો દ્વારા કંડારવાની મહેચ્છા ધરાવનાર સાહિત્યકાર, શિષ્ટ, સાત્વિક અને મૂલ્યલક્ષી સાહિત્યની ઉપાસના કરનાર સર્જક અને પ્રેરક, મૂલ્યનિષ્ઠ તથા આધ્યાત્મિક સાહિત્યના રચયિતા ડૉ. કુમારપાળ દેસાઈની પ્રતિભા આગવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા-સાહિત્ય વિભાગના વડા ડૉ. કુમારપાળ દેસાઈ લેખક, પત્રકાર, વક્તા, ચિંતક, ક્રિકેટ-સમીક્ષક અને રાષ્ટ્રને ઘડનારાં મૂલ્યોને પુરસ્કૃત કરતા સાહિત્યના પ્રતિભાશાળી સર્જક છે. વત્સલ ગુરુ અને બાળકોને રાહ ચીંધનાર બાળસાહિત્યકાર પણ છે.
વિશાળ દૃષ્ટિ અને કરુણાનો સાગર છલકાવતી આંખો ધરાવતા બહુમુખી વ્યક્તિવિશેષ ડૉ. કુમારપાળ દેસાઈને મારી દીકરી મિતાલીના આરંગેત્રલમાં આશીર્વચન આપવા પધારવા માટે નિમંત્રણ આપવા હું અને મારા પતિ બંને તેમને ત્યાં ગયાં હતાં. તે વખતે કલાકારની કલાસૂઝ અને કલાસાધનાની વાત કરી તેમણે અમને બંનેને અભિભૂત કરી દીધા હતા, તો મુ. પ્રતિમાબહેને પણ અમારું નેહભર્યું અતિથ્ય કર્યું હતું.
ચિ. મિતાલીના નાનપણના પ્રસંગો પૂછી અમને અહેસાસ કરાવ્યો હતો કે કલાકારમાં અભિવ્યક્તિ તો બાળપણથી જ હોય છે. શિક્ષક માર્ગદર્શક હોવા જોઈએ, પરંતુ બહુ ઓછા શિક્ષક એવા હોય છે જે વિદ્યાર્થીને માર્ગદર્શન આપી તેનો જીવનકાળ સુધારે. પણ મારા જીવનકાળમાં કેટલાક એવા શિક્ષકો પ્રાપ્ત થયા છે જેમણે મને દિશા ચીંધી હોય. શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કરુણાનો સમન્વય. આ ત્રણેય ગુણોનો સમન્વય એટલે કુમારપાળભાઈ.
માધ્યમો ઉપરના મારા પુસ્તકનું પરામર્શન કરવાનું હોય કે સાહિત્યિક કાર્યક્રમનું મારે સંચાલન કરવાનું હોય, પ્રકાશન વિભાગમાં પુસ્તકોના વિષયો નક્કી કરવાના હોય કે સેમિનારોનું આયોજન કરવાનું હોય, કે પછી વિશ્વ ગુજરાતી સમાજ જેવી વિશ્વભરના ગુજરાતીઓની સંસ્થા દ્વારા પ્રકાશિત “વિશ્વનીડમ્' સામયિકમાં તેમના લેખની, તંત્રી તરીકે મારે આવશ્યકતા હોય, દરેક વખતે વિનમ્રતાથી તેમણે મને પ્રેરણા, માર્ગદર્શન અને સહકાર આપ્યાં છે. હજી ત્રણેક વર્ષ પહેલાં જ બિનનિવાસી ગુજરાતીઓની વિશ્વકોશ કાર્યાલયની મુલાકાત પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજના મંત્રી તરીકે હું તેમની સાથે ગઈ હતી, તે સમયે ડૉ. ધીરુભાઈ ઠાકરની સાથે ઊંડાણથી વાત કરતાં વિશ્વકોશ માટેનો તેમનો પ્રેમ છલકાતો હતો, જે પ્રેરણાદાયી હતો.
મારા પીએચ.ડીના સંશોધનકાર્ય દરમ્યાન પણ જ્યારે જ્યારે મને તેમની જરૂર પડી ત્યારે માર્ગદર્શન આપ્યું હતું. એ સંશોધનના પરિણામરૂ૫ મારો ગ્રંથ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ તરફથી પ્રકાશિત થઈ રહ્યો છે. તેના પ્રકાશનને આવકાર આપતું લખાણ લખી આપી તેમજ માર્ગદર્શન આપી મને પ્રોત્સાહિત કરી છે.
383 મીનાક્ષી ઠાકર