________________
કચેરીએ તેઓ આવ્યા. એ વખતે ટેલિવિઝનનું અસ્તિત્વ નહોતું અને તેથી ઝડપી સમાચાર માટે આકાશવાણી અને સચિત્ર અહેવાલ માટે અખબારો મોખરે રહેતા. અમદાવાદમાં અમને અમારી નવી દિલ્હીની વડી કચેરીએથી આવી તસવીરો રોજિંદી એરબૅગથી પ્રાપ્ત થતી.
ત્યારે ખાસ કરીને નાનામોટા પ્રાદેશિક દૈનિકો માટે નવી દિલ્હીમાંના સરકારી સમારંભો તેમજ યુદ્ધકીય કાર્યવાહીનાં દશ્યોની તસવીરો સત્તાવાર રીતે અમદાવાદ પીઆઈબી પૂરી પાડતી. ખાસ કરીને ૧૯૬૫ના યુદ્ધ વખતે સંરક્ષણ મંત્રાલય દ્વારા સત્તાવાર તસવીરો પૂરી પાડવામાં આવતી હતી. ભવિષ્યમાં કોઈ કટારલેખક કે સામાન્ય લેખકને પ્રાસંગિક લેખો માટે આવી તસવીરો કામ આવે એ માટે વધારાની તસવીરોમાંથી અમે એક ફોટો-લાઇબ્રેરી ઊભી કરી રહ્યા હતા. આમ કુમારભાઈને શાસ્ત્રીજી વિશેની તસવીરોનો ઢગલો અમે ધરી દીધો અને એમણે પણ એમનાં પ્રથમ પુસ્તકો “લાલ ગુલાબ” અને “મહામાનવ શાસ્ત્રીમાં તેનો ઉચિત ઉપયોગ કર્યો. અનાયાસે જ તેમનાં આ પુસ્તકોને અનુક્રમે ગુજરાત સરકાર તથા ભારત સરકારની બાળસાહિત્યની રાષ્ટ્રીય સ્પર્ધામાં પારિતોષિક પ્રાપ્ત થયાં. અમને દેખીતી રીતે જ ખૂબ આનંદ થયો. અમારી કાયમી બની ગયેલી મૈત્રી નિભાવવામાં એમનો ફાળો વિશેષ ગણું છું.
પિતાશ્રી સ્વ. જયભિખ્ખના શ્રેષ્ઠ સાહિત્યિક અને જૈન ફિલોસોફીના વારસાને તેમણે બરાબર પચાવ્યાં છે. હકીકતમાં પિતાશ્રીના અંગત મિત્રો ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય, ચુનીલાલ વર્ધમાન શાહ એવા અનેક સાહિત્યકારોના પિતાશ્રી સાથેના સત્સંગ અને વિચારગોષ્ઠિમાંથી શ્રી કુમારભાઈએ ઘણું ભાથું એકઠું કર્યા કર્યું. એ જ રીતે પંડિત સુખલાલજી, પંડિત દલસુખભાઈ માલવણિયા, રતિલાલ દીપચંદ દેસાઈ અને એમના પિતાશ્રી જયભિખ્ખના કારણે જૈન ધર્મ વિશે ગહન જ્ઞાન સંપાદિત કર્યું.
શ્રી કુમારપાળ દેસાઈએ પત્રકારત્વના ક્ષેત્રે કરેલું પ્રદાન અનેકવિધ છે. ગુજરાતી પત્રકારત્વમાં ચિંતન, ચરિત્ર, રમતગમત, ધર્મદર્શન અને જીવનઘડતર વિશે એમણે લખ્યું છે. આટલા વૈવિધ્યપૂર્ણ વિષયો પર ગુજરાતી પત્રકારત્વમાં કોઈએ કલમ ચલાવી હોય તેવું મારા સ્મરણમાં નથી. કેટલાક પત્રકારો વાચકની મોરલી પર નાચતા હોય છે અને કેટલાક પોતાની મોરલીના નાદે વાચકને ડોલાવતા હોય છે. કુમારપાળ દેસાઈએ ક્યારેય સસ્તી ચાહના મેળવવા માટે વાચકની ચૂળ રુચિને ઉત્તેજે એવું લખ્યું નથી. એમણે એમનાં કૉલમોનો પોતીકો વાચક વર્ગ ઊભો કર્યો છે. અને આજે ચાર ચાર દાયકા થવા છતાં એમણે બહોળા વાચક-સમુદાયના હૃદયમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. વાચક તરફની નિષ્ઠા તો એટલી કે રમતગમત વિશે લખતા હોવાથી ક્યારેય કોઈ સંસ્થાનું એમણે સભ્યપદ સ્વીકાર્યું નથી. ગુજરાતી પત્રકારત્વમાં ઘણા સર્જકોએ મહત્ત્વનું પ્રદાન કર્યું છે અને તેમાં કુમારપાળ દેસાઈનું પ્રદાન એ પ્રકારના આગલી હરોળના પત્રકારોમાં સ્થાન ધરાવે છે.
360 ભાતીગળ વ્યક્તિત્વ