________________
ભવ્ય ઘટનાસ્વરૂપ મહોત્સવ છે. ચારિત્ર્ય ઘડતર અને અર્થલક્ષી ભણતરનાં બીજ શૈશવમાં રોપાય છે અને સાનુકૂળ સંયોગો પ્રાપ્ત થતાં એ પદ્મ સ્વરૂપે વિકસી પમરાટ ફેલાવી શકે છે એ આ બંને મહાનુભાવ વ્યક્તિઓએ પુરવાર કરી આપ્યું છે. માત્ર દક્ષતા જ નહિ, સર્વ ક્ષેત્રે મૂલ્યોની પ્રતિષ્ઠાનો મહામંગળ અવસર બને છે.
મોટા માનવી બન્યા પછી – પોતાની પાઘડીનાં પીંછાંઓને જાણે ભૂલીને કુમારભાઈ એક કુનેહપૂર્વકની સામાજિક સરળતા પણ મૂલવી જાણે છે. તેઓ સમાજના સૌની સાથે, સગાં, નેહી અને મિત્રો તો એમની સાથે આત્મીયતા અનુભવે જ, પરંતુ કોઈ પણ જાતના બાહ્ય આડંબર રહિત - ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ તરીકે સૌ એમને પિછાને છે. જૈન સમાજના વહાણની દિશા બદલવાની અને સાચી સમજ કેળવવાની દૃષ્ટિથી પુરુષાર્થ કરી રહ્યા છે. જૈન તત્ત્વવિચાર અને જૈન ધર્મ, એનું સાહિત્ય, પરિભાષા અને એ બધી અઘરી વસ્તુઓને જૈન સમાજ સામે સરળતાથી રજૂઆત કરતા જાય છે. માત્ર શાસ્ત્ર – એ શસ્ત્ર ન બને – અને અહિંસાનો અભિગમ સુરુચિપૂર્વક સમજાય એવું સાહિત્ય એમની કલમ દ્વારા પ્રાપ્ત થતું રહે છે. પ્રવચનોથી માંડી શબ્દસ્થ સ્વરૂપે તેઓ પોતાના આગવા રૂપે – સાહિત્ય સમજાય, વિચારાય અને અનુભવાય તેમજ આચરણશુદ્ધિ તરફ આગળ વધી શકાય તેવો અહિંસક માર્ગ ચોક્કસ ગતિથી સમાજ સામે મૂકી રહ્યા છે એમ હું માનું છું.
નિખાલસતા, સમયના વહેણ સાથે સર્જાતાં નવાં પરિબળો અને પડકારોને તેઓ ઝીલે છે અને સદાબહાર વ્યક્તિત્વથી નિખારે છે. એમની વિનોદીવાણીમાં પણ થનગનાટ હોય, કાર્યનો ઉત્સાહભર્યો ઉકેલ હોય એમ જ્યારે જ્યારે તેમને મળવાનું થાય છે ત્યારે ત્યારે હું સહર્ષ અનુભવું છું. પરિશ્રમ, અપાર શ્રદ્ધા, વિચારશીલતાનું જાણે અખૂટ ભાથું તેમની પાસે હોય એનો આત્મીયભાવે સ્પર્શ થયા વિના રહેતો નથી. સભાનતા, સક્રિયતા, આચારસંહિતા, અણીશુદ્ધ અનુભવાય છે. ક્યાંય એમની સાથેની વાતચીતમાં નિરાશા-નિષ્ફળતાનું તેઓ રૂંવાડું ફરકવા દે નહિ.
સમાજના મોખરાના સ્થાને બેસી દષ્ટાંતરૂપ જીવન જીવવું અઘરું છે, પરંતુ કુમારપાળભાઈ એ તો સજ્જનતાની ફોરમ વેરતું એક પૂર્ણ વિકસિત સામાજિક પુષ્પ છે; નખશિખ સાત્ત્વિક સજ્જન અને સર્જક છે.
એમની ધ્યેયનિષ્ઠા અને મૂલ્યનિષ્ઠા એમના જીવનમાં સુચારુ રૂપે પ્રતિષ્ઠિત થઈ છે. એમનું પ્રત્યેક ચરણ પરમાર્થની જીવનયાત્રા સમું છે. અભ્યાસશીલતા એવી કે મારા જેવા નિષ્ક્રિય માનવીને પણ એમને મળ્યા પછી પ્રવૃત્તિમય બનાવી દે એમના ખુલ્લા દિલથી, ખુમારીભર્યા દિમાગથી અને નિર્મળતાથી એવી પ્રેરણા પ્રાપ્ત થાય છે તેમજ અપ્રમાદી બનવાનું કહેતી હોય તેવી તેમની શ્રમશીલતા એમના સાન્નિધ્યમાં અનુભવાય છે.
334 પુણ્યોદયી પળોમાં