________________
પણ અનુવાદિત થયું. “મહામાનવ શાસ્ત્રી', “કેડે કટારી ખભે ઢાલ’, ‘બિરાદરી', “મોતને હાથતાળી’, ‘હૈયું નાનું હિંમત મોટી' જેવાં પુસ્તકો ભારત સરકાર દ્વારા પુરસ્કૃત થયાં. આ સઘળો પ્રતિસાદ માત્ર એમની ઉમદા ચરિત્રોની પસંદગીને ફાળે જતો નથી, માત્ર ડૉ. કુમારપાળની કલમને મળતો નથી, પરંતુ આ બંનેની સાથે ઊછરતી પેઢીમાં દેશપ્રેમ, આત્મવિશ્વાસ અને હિંમતનાં ઘોડાપૂર જગાવે એવો પ્રેરણાધોધ વહેવડાવવાની એમની પ્રબળ ભાવનાનું પણ એટલું જ મહત્ત્વ છે. બાળકોમાં સંસ્કારઘડતર અને વ્યક્તિત્વ-ઘડતરનાં કાર્યો માટેની એમની ધગશ આજે પણ એટલી જ વેગીલી છે, જેનું પરિણામ બાળસાહિત્ય-લેખનને સતત પ્રોત્સાહન આપવા ઉપરાંત વિદ્યાર્થીઓમાં મૂલ્યસિંચન અર્થે મોહિનાબા અને ગંગાબા કન્યાશાળાની વિદ્યાર્થિનીઓ માટે નીતિશિક્ષણ જેવા વિષયોના અભ્યાસક્રમના આયોજનમાં જોવા મળે છે.
બાળસાહિત્ય ઉપરાંત એમણે પ્રોઢસાહિત્ય, નવલિકા, ચરિત્રલેખન, વિવેચન, સંશોધન, અનુવાદ, સંપાદન, પત્રકારત્વ જેવાં જુદાં જુદાં સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. ગુજરાતીમાં જ નહિ, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ એમનાં દસેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. તાજેતરમાં અંગ્રેજીમાં પ્રગટ થયેલા એમના પુસ્તક “તીર્થકર મહાવીરની ૧૦૦૦ નકલ માત્ર આઠ દિવસમાં ખરીદાઈ ગઈ. યુનોમાં કાર્ય કરી ચૂકેલા ભારતીય રાજપુરુષ ડૉ. એન. પી. જેનના મત મુજબ ભગવાન મહાવીર વિશે લખાયેલાં અંગ્રેજી પુસ્તકોમાં આ સર્વોત્કૃષ્ટ પુસ્તક છે.
માર્ગ કે મંઝિલની શોધમાં અટવાતા માનવીને પ્રેરણા પૂરી પાડે એવાં એમનાં પુસ્તકોમાં, એક સદી પહેલાં આફ્રિકામાં ઉદ્યોગોની સ્થાપના કરનાર શ્રી પ્રેમચંદ વ્રજપાળ શાહ અને શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે અસાધારણ પ્રગતિ કરનાર શ્રી યુ. એન. મહેતાનાં જીવનચરિત્રો નોંધપાત્ર છે. મધ્યકાલીન સાહિત્ય એમના રસનો અને સંશોધનનો વિષય છે. સંત કવિ આનંદઘન પર એમણે પીએચ.ડી. કર્યું અને પછી “જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક', અપ્રસિદ્ધ મધ્યકાલીન કૃતિઓ', “મેરુસુંદર ઉપાધ્યાયરચિત બાલાવબોધ' એમની સશક્ત રચનાઓ છે. શબ્દસંનિધિ', “ભાવન-વિભાવન” અને “શબ્દસમીપ જેવા વિવેચનગ્રંથો ઉપરાંત અખબારી લેખન' જેવું પત્રકારત્વક્ષેત્રે અધિકૃત પુસ્તક ડૉ. કુમારપાળ દેસાઈએ આપ્યું છે. એકાન્ત કોલાહલ' જેવો નવલિકાસંગ્રહ પણ એમણે આપ્યો છે. આફ્રિકન સાહિત્યકાર ઓસ્ટિન બૂકેન્યાની જાણીતી નાટ્યકૃતિનો એમણે નવવધૂ નામે અનુવાદ કર્યો છે. એમણે લેખકની રૂબરૂ મુલાકાત લઈને એની વિસ્તૃત નોંધ આ પુસ્તકમાં આપી છે.
ગુજરાતી પત્રકારત્વમાં પિતાએ પ્રારંભેલી કટાર, પુત્રએ લાંબા સમય સુધી સંભાળી હોય એવું એકમાત્ર ઉદાહરણ કુમારપાળ દેસાઈનું છે. ૧૯૫૩માં શ્રી જયભિખ્ખએ ઈંટ અને ઇમારત કૉલમ શરૂ કરી અને ૧૯૭૦થી આજ પર્યત આ કૉલમ કુમારપાળ દેસાઈ લખી રહ્યા છે.
લતા હિરાણી