________________
જ પ્રકરણ – દરેક પ્રકરણનું વિષયાનુરૂપ મથાળું – શ્રીમદ્જીના જીવનના લગભગ બધા જ મહત્ત્વના પ્રસંગો અને એમણે આપેલાં વચનામૃતોને સચોટ રીતે રજૂ કરી લેખકે આ પુસ્તકને અનોખું, અમૂલ્ય બનાવ્યું છે.
(૨) માનવતાની મહેક : ડૉ. કુમારપાળ દેસાઈની પરિચય પુસ્તિકામાં જેને ચિંતનાત્મક સાહિત્યની યાદીમાં મૂક્યું છે તે માનવતાની મહેક ખરેખર તો ચરિત્રલેખનનું એક સુંદર નજરાણું છે. શ્રી પ્રેમચંદ વ્રજપાળ શાહના જીવનચરિત્ર દ્વારા ચારિત્ર ઘડવામાં પ્રેરણાદાયી નીવડે એવો આ અક્ષરદેહ છે. આફ્રિકાના સુદૂર જંગલોમાં જઈને હાલારની ભૂખી-સૂકી ધરતીનો મૂઠી ઊંચેરો માનવી પોતાના પ્રચંડ પુરુષાર્થ દ્વારા જામનગરનું ઝવેરાત બને છે તેની વિરલ કથા કુમારપાળની આગવી શૈલીમાં વણાઈ છે. વિરલ વ્યક્તિના જીવનની હકીકતોથી વાકેફ થઈ એમના વિશે પ્રામાણિકપણે લખવા માટે કુમારપાળે જામનગર, મુંબઈ, અમદાવાદ, અંજાર, વડોદરા, નાઇરોબી, થિકા, નકુર, મોમ્બાસા, લંડન, લેસ્ટર આદિ સ્થળોએ જઈ અનેક લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ હકીકત કુમારપાળની સત્યનિષ્ઠા અને અપ્રમાદની સાક્ષી પૂરે છે.
મારો એમની સાથે અંગત પ્રત્યક્ષ પરિચય તો બહુ ઓછો છે પણ એક પ્રસંગ યાદ છે. ૨૦૦૨માં પૂ. આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીના દર્શનાર્થે અમદાવાદ ગયો હતો ત્યારે કુમારપાળભાઈને મળવા ગુજરાત વિશ્વકોશ કાર્યાલયમાં ગયો હતો. તેઓ પોતાની ચેમ્બરમાંથી બહાર લેવા આવ્યા અને મુલાકાત પછી મકાનના દરવાજા સુધી મૂકી ગયા. એટલું જ નહીં પણ પોતાના ડ્રાઇવરને બરાબર સૂચના આપીને મને સ્નેહથી વિદાય કર્યો. મારે માટે આ લાગણીશીલ “માનવીની ઉષ્મા અને સુવાસ હંમેશ અવિસ્મરણીય રહેશે.
કુમારપાળભાઈનું જીવન અને કવન એટલે દાર્શનિક, સાહિત્યકાર, પ્રવચનકાર, શિક્ષણશાસ્ત્રી, સંશોધનકાર, પત્રકાર, આજીવન પ્રવાસી, સત્યશોધક, ગહન ચિંતક અને સૌથી વધારે એક સહૃદય માનવી – આ બધાંનો સરવાળો એટલે કુમારપાળ દેસાઈ. મારા જેવા અનેકને માટે પ્રેરણાની દીવાદાંડી સમ આ વિરલ વિભૂતિનું ભારત સરકારે તથા દેશ-વિદેશની અનેક સંસ્થાઓએ વિવિધ પ્રકારનાં માનપત્રો, ચંદ્રકાં, એવૉર્ડો, પારિતોષિકો, પુરસ્કારો આદિથી સન્માન કર્યું છે. પણ આ ગરિમામય વ્યક્તિ આ બધાં માન-સન્માનથી અધિક નમ્ર બની છે અને આ બધા એવૉર્ડો વગેરેને ગરિમા બક્ષી છે. સાદું જીવન, સાદો પહેરવેશ અને સાદી રહેણી-કરણી ધરાવતા તેઓ સાદગીના પ્રતીક છે. એમનાં વિચાર, વાણી અને વર્તનમાં એકતા છે. સત્ત્વશીલ પુરુષાર્થ છલોછલ છે, તે છતાં વિનમ્રતાની પ્રતિમૂર્તિ છે. મેરુની ઊંચાઈ અને સાગરની ગહનતા હોવા છતાં એમના ચરણ હંમેશ ધરતી પર જ રહ્યા છે. કુમારપાળ દેસાઈ ચિરાયુ – દીર્ધાયુ થાય અને જીવન સ્વસ્થ બની રહે એ જ અભ્યર્થના.
પ્રેક્ષાધ્યાનના અભ્યાસી, પ્રવચનકાર તથા કૉલમલેખક
123 રમિભાઈ ઝવેરી