________________
એ વખતે ગુજરાતી સાહિત્યકારોમાં શૈલીને કારણે પૂ. જયભિખ્ખજીનું મને ગજબનું આકર્ષણ. જીવનને પ્રેરણા અને ચેતના આપે એવું એમનું સાહિત્ય. એમની નવલ “ગીત-ગોવિંદ તો મેં બે-ત્રણ વાર વાંચેલી ! જૈન સાહિત્યના મર્મજ્ઞ કૃષ્ણભક્તિને આટલી બધી આત્મસાત્ કરી શકે ? એ કૃતિને આકાર આપવાની મને ખૂબ ઇચ્છા થયેલી, હજુ છે, પણ...
એક વખત પરિવાર સાથે હું મહુડી ગયેલો. ગભારામાં શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન કરવા ઊભો રહ્યો, બાજુમાં ધ્યાનસ્થ મુદ્રામાં કુમારપાળ ઊભા હતા. મેં એમના ધ્યાનમાં ખલેલ ન પહોંચાડી. થોડી વારે મેં આંખ ખોલી, તો એઓ ગાયબ ! પછી ઘણા શોધ્યા, ન મળ્યા, ન જડ્યા.
પણ એ એમની ધ્યાનમુદ્રા મારા હૃદયમાં આજેય એટલી અકબંધ છે. ચિત્રકાર હોઉં તો ચિત્ર દોરી બતાવું. એમની આવી “ધ્યાન મુદ્રા – જુઓને આજે એમને કેટલી સિદ્ધિઓ પાસે લઈ આવી ! સાધના વગર સિદ્ધિ ન સંભવે!
અમારા આ સવાઈને સર્વપ્રથમ પરદેશનું આમંત્રણ મળ્યું, ત્યારે અમારા શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી ધોબી-તલાવ મુંબઈની ઠક્કર હોટલમાં એક નાનો જમણ સમારોહ યોજાયો. ત્યારે પૂ. રમણભાઈએ આશીર્વાદ આપતાં કહ્યું હતું કે હવે કુમારપાળ દર વરસે પરદેશ જશે, અને આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપણને એમની ગેરહાજરી વરતાશે.” અને પૂ. રમણભાઈનાં એ વાક્યો પૂર્ણતઃ સાચાં પડ્યાં: ‘હીરાને હાથમાં લેતાં જ ઝવેરી હીરાને પારખી જાય અને એની તેજયાત્રાની શ્રદ્ધા વ્યક્ત કરી દે.”
કુમારપાળ અને અમે નિયમિત જૈન સાહિત્ય સમારોહમાં મળીએ, વ્યસ્ત હોય તોય, એકાદ સવાર કે સાંજ ડોકિયું કરી જાય અને બધાને એમના જ્ઞાનની પ્રસાદી આપી જાય.
આપણા આ સવાઈ સંબંધો જાળવણીના જ ઇસમ નથી, સંબંધોને બીજા માટે ફાળવી દેનાર દિલદાર દોસ્ત પણ છે.
એમનું એક પુસ્તક મને અને મારાં પત્નીને ખૂબ ગમ્યું. ફોન ઉપર મેં વાત કરી અને બીજે અઠવાડિયે એ પુસ્તકની દશ નકલ મારા ઘરમાં ! એટલે એમને કાંઈ કહેવામાં પણ સંકોચ રાખવો પડે. સહેજ ઇચ્છા કરી અને પોતાના હૃદયના દરવાજા ખોલીને પ્રેમનું પૂર વહાવે.
મુંબઈમાં એક વખત અમારે કોઈ કામે એક દાનવીરને મળવા જવાનું થયું. એ પહેલાં મારા ઘર અમે જમ્યા. મારાં પત્ની તો હોંશીલા બની ગયાં. જમી લીધા પછી મારાં પત્ની કહે, કુમારપાળ લખે છે બહુ સારું, પણ ખાય છે “ઓછું. કહ્યું, જ્ઞાની માણસો મિતાહારી હોય ! પછી અમે એ શ્રેષ્ઠિને ત્યાં ગયા. બે કલાક એ શ્રેષ્ઠિવર્યની શિખામણો અને એમની યોજનાઓ અમારે સાંભળવી પડી. હું આકળવિકળ થાઉં, પણ આપણા આ સવાઈ તો સ્થિતપ્રજ્ઞ ! નીચે ઊતરી મેં કહ્યું, “શું મળ્યું?” તો કહે. આપણે સારા શ્રોતાઓ છીએ એની પણ આપણે પ્રતીતિ કરાવવી જોઈએને!
214 અમારા સવાઈ અમિતાભ