________________
પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વર્ષો સુધી ટાઉનહોલમાં વિતાવેલી એમની સાથેની ક્ષણો યાદ આવે છે. એ સુંદર દિવસોમાં એક વખત ચા પીવાની ઇચ્છા પ્રગટ કરતાં કુમારપાળભાઈએ કહ્યું, “આપણે સાથે ચા પીને થોડાક હળવા થઈ જઈએ.” ચાના શોખીન કુમારપાળભાઈના પ્રસ્તાવથી મેં તેમને કહ્યું, “અરે ભાઈ, જો લોગ ચા પીતે હૈ વો હી ચાહ કર સકતે હૈ” આવી અનેક મજાક અને ટીખળ અમે કરતા. અમે લોસએન્જલસના પ્રવાસમાં પણ સાથે હતા અને એ સમયે ડિઝનીલેન્ડમાં એમનાં પત્ની સાથે હરવાફરવાનો આનંદ પ્રાપ્ત કર્યો હતો. આચાર્ય મહાપ્રજ્ઞજીના દર્શનાર્થે જયપુર, જોધપુર, સરદાર શહેર જેવાં અનેક સ્થળોએ અમે સતત સ્વાધ્યાય કર્યો હતો. એ જ રીતે કોબા, વડોદરા, મુંબઈ, રાજકોટ વગેરે શહેરોમાં પ્રવચનોનો જે પમરાટ અનુભવ્યો તે આજ દિવસ સુધી ભૂલ્યો ભુલાય તેમ નથી.
પર્યુષણ વ્યાખ્યાનમાળા, ભારત જૈન મહામંડળ, અણુવ્રતસમિતિ વગેરેમાં એમણે વ્યાખ્યાનો આપ્યાં અને લોકપ્રિયતાના શિખરે પહોંચ્યા, કેવળ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં વિહાર કરીને તેમણે પોતાના વિચારો અને વાણીની અણમોલ ભેટ આપી. તેમના પરિવાર સાથેનો સંબંધ દૂધમાં સાકર જેવો રહ્યો. એમનાં માતુશ્રી જ્યારે જ્યારે તેમના નિવાસસ્થાને જઈએ ત્યારે ભાવભર્યા મીઠાં ભોજન વગર આવવા દેતા નહીં. એ જ રીતે એમનાં ધર્મપત્નીએ હસતે મુખે મીઠું મોં કર્યા વગર આવવા દેતા નહીં. એમની મહેમાનગતિ સૌરાષ્ટ્રની રસધાર જેવી મિષ્ટ છે. એમના વ્યક્તિત્વના અંશોમાં અદબ ભરેલી રીતભાત, વિવેકપૂર્ણ વાણી, વચનની અમીરાત અને વ્યવહારની ઉષ્મા સદાય જોવા મળી છે.
અંતમાં પ્રભુ તેમને દીર્ધાયુષ બક્ષે, તેઓની સિદ્ધિ અને શક્તિ દિનપ્રતિદિન ફૂલેફાલે, જેને સમાજ અને અન્ય સમાજ માટે માર્ગદર્શક બને અને મા સરસ્વતીની મહેરની વર્ષા થતી રહે એ જ મારી અભ્યર્થના.
અભિનંદન આપવા જેવું અને માગવા જેવું અમારી વચ્ચે કશું નથી. હવે કેવળ આનંદ માટે નહીં પણ પરમ આનંદના પંથે તેમનો અભ્યદય થાય એ જ પ્રાર્થના.
219 ડૉ. મનહરભાઈ શાહ