________________
પુત્ર આવે અને લઈ જાય ત્યારે જવાનું. તે પણ ક્યારેક જ બને. કુમારભાઈને તો સારાં સારાં પુસ્તકોના વાચન અને લેખનની પ્રવૃત્તિમાંથી આનંદ મળી રહે છે, જ્યારે પત્ની તેમને સમજીને તેમનો પડછાયો બનીને જીવવામાં આનંદ માણે છે. પડછાયાનો છાંયો સાથે રહી હંમેશાં શીતળતા દેનારો જ હોય. તેમના શર્ટ-પેન્ટની પસંદગી અને ખરીદી પણ પત્ની અને પુત્રો દ્વારા થતી હોય છે.
જ્યારે જ્યારે તેમને આંગણે પગ મૂક્યો છે ત્યારે ત્યારે સુઘડતા, સાદાઈ અને સૌજન્યના ત્રિવેણીસંગમને મેં જાણ્યો છે અને માણ્યો છે. ક્યાંય મોટાઈની છાપ નજરે ન પડે. કુમારભાઈ પણ કહે છે કે સમૃદ્ધ માણસોમાં પણ મેં સાદાઈ, સાહજિકતા અને નિરાડંબરતા જોઈ છે. એ તો સાચું જ છે ને કે સ૨ળતા અને સાહજિકતામાં જે સામર્થ્ય છે તે કૃત્રિમતામાં નથી. તેમણે ક્યારેય મનમાં ગ્રંથિ કે ડંખ રાખ્યા નથી, તેથી તેમના જીવનમાં એક પારદર્શિતા ઊભી થઈ છે, તેથી તેમના ચહેરા ઉપરનું રમતું નિર્દોષ સ્મિત સૌને ગમતું હોય છે.
તેમને બે પુત્રો છે : કૌશલ અને નિરવ. નિકીતા અને કુંતલ તેમનાં પુત્રવધૂ છે. આજના સમય પ્રમાણે તેઓ સારી રીતે ગોઠવાઈ ગયાં છે. પિતા પ્રત્યેથી તેઓ કોઈ અપેક્ષા રાખતાં નથી. પ્રેમાળ છે. મુશ્કેલીના સમયમાં દોડી આવવાની તત્પરતા રાખે છે. પિતા-માતાના સ્વાસ્થ્યનું સતત ધ્યાન રાખે છે. કૌશલની બે પુત્રીઓ દેશના અને મોક્ષા. તેમાં દેશના કુમારભાઈના સાહિત્યનો વારસો જાળવશે એવી એક મીટ તેમની દેશના પ્રત્યે ખરી.
કુમારભાઈને પ્રવૃત્તિ અને પ્રગતિમાંથી જે આનંદ આવે છે, સુખ મળે છે તે મિત્રો સાથે ગપ્પાં-સપ્પામાંથી કે ફરવામાંથી નથી મળતું. ‘જયભિખ્ખુ’ના અવસાન પછી ‘ગુજરાત સમાચાર' તરફથી તેમને “ઈંટ અને ઇમારત' કૉલમ ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું ત્યારે થોડાક ખચકાટ પછી તેમણે તે કૉલમ ચાલુ રાખી, પણ પોતાના નામ વગર આ લખવાનું શરૂ કર્યું. થોડા હપ્તા પ્રસિદ્ધ થયા બાદ તેને આવકાર મળતાં તેમણે પોતાનું નામ લખવાનું શરૂ કર્યું. લોહી આપો તો મૂલ્ય અંકાય અને આનંદ થાય. ‘ગુજરાત સમાચાર’નું appreciation of work ઘણું છે. પિતાપુત્રના લખાણને સાથે ગણીએ તો લગભગ અડધી સદી થઈ ગઈ. એવું જવલ્લે જ બને છે. નડિયાદથી પ્રગટ થતા ‘ગુજરાત ટાઇમ્સ'માં પણ પિતા-પુત્રનું પ્રદાન વર્ષો સુધી રહ્યું છે.
૨૦૦૪ના જાન્યુઆરી મહિનામાં સૂરત શહેર પત્રકાર કલ્યાણનિધિ દ્વારા તેમને “બેસ્ટ સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ'નો એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો તે સમયને ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડે જીવનની એક યાદગાર ક્ષણ તરીકે ઓળખાવ્યો હતો અને કહ્યું હતું કે છેક બાર વર્ષની વયથી અમે કુમારભાઈના, રમતગમતવિષયક લેખો વાંચતા રહ્યા છીએ અને તે વાંચીને અમે તૈયાર થયા છીએ.’ લેખનની આવી સાર્થકતા અને સફળતાનો આનંદ અદ્ભુત હોય છે. આવો આનંદ મેળવવા કુમારભાઈ કહે છે કે તેમને બીજે જવું પડતું નથી.
222
એક જૈન-રત્નનો પ્રકાશપુંજ