________________
પછી તો ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠ જેવી યુનિવર્સિટીઓમાં મેં અધ્યાપન કર્યું. ૧૯૭૭માં શરૂ થયેલી અધ્યાપકીય કામગીરી જાતે ૨૦૦૩માં છોડી ત્યાં સુધી ચાલુ રહી. યુવાવસ્થામાં પ્રોફેસર બનવાની તમન્ના ખૂબ હતી. કાંઈક આર્થિક-સામાજિક સંજોગોએ અને કાંઈક વધારે પડતા રોમેન્ટિક સ્વભાવે એવું બનવા ન દીધું. પરંતુ કુમારપાળ અને ચંદ્રકાંત મહેતા જેવા દોસ્તોના પ્રતાપે, મારા જેવા પાસ ક્લાસનો ગ્રેજ્યુએટ એકવીસમી સદી સુધી અનુસ્નાતકોને યુનિવર્સિટી કક્ષાએ ભણાવવા સુધી પહોંચ્યો. કદાચ મારી આવડતનોય આમાં ફાળો હશે પરંતુ દોસ્તોના ઋણનો સ્વીકાર કરું છું.
" મોટા થતા ગયા તેમ અળગા થતા ગયા. ૧૯૮૮માં મેં ગુજરાત સમાચાર છોડ્યું. એનેય આજે (૨૦૦૪માં સોળ વર્ષ થયાં. સ્વાભાવિક જ એકબીજાથી થોડાક અળગા થઈ ગયા છીએ. કાર્યક્ષેત્ર પણ બદલાયું છે. હું માત્ર લેખનમાં રહ્યો છું; કુમારપાળ તો બડા સંસ્થા-સંચાલક, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જનજ્ઞ, અતિ સફળ અધ્યાપક બન્યા છે. એમની જ્ઞાનકોશ વગેરે પ્રવૃત્તિઓમાં મને ખેંચવા એમણે કોશિશ કરી, પરંતુ મારો ઝુકાવ વધુ ને વધુ સ્વતંત્ર લેખન તરફ રહ્યો છે. ક્યારેક જ મળાય છે. એમની નિરંતર પ્રગતિ જરાક સાક્ષીભાવે જોવાનું બને છે. પણ એ સદાય આગળ અને ઊંચે જાય એવી શુભેચ્છા મારો સ્થાયીભાવ છે. હું અને મારાં પત્ની વૈદ્ય દેવી મહેતા (જે માધ્યમિક શાળામાં કુમારનાં સહપાઠી હતાં અમારા આ તેજસ્વી દોસ્તને વધુ ને વધુ તેજસ્વી બનતો જોવા ચાહીએ છીએ.
271 યશવન્ત મહેતા