________________
દોસ્તીની ઈંટ
અને ઈમારત
માનવીએ જીવનમાં કાંઈક વાંચવાને યોગ્ય લખવું જોઈએ અથવા લખવા યોગ્ય જીવન જીવવું જોઈએ.
શ્રી કુમારપાળ દેસાઈએ આ બંને બાબતોને જીવનમાં સાર્થક કરી છે. કુમારપાળ સાથે મારો વર્ષોનો સબંધ છે. જેની શરૂઆત આ રીતે થઈ.
થાનગઢમાં છેલ્લાં ૫૦ વર્ષથી ઊજવાતો નવરાત્રિ મહોત્સવ અનોખા ઢંગથી ઊજવાય છે. દરરોજ ૯ થી ૧૦ શ્રી રામચરિત માનસ અને ૧૦ પછી કલાકારોના કાર્યક્રમો, વિદ્વાનોનાં વક્તવ્યો, સંતોની સંતવાણી કે ભજનિકોનાં ભજનો. શ્રી વાસુકિ સંસ્કાર મંડળ આ કાર્યક્રમોનું આયોજન કરે છે જેના પ્રણેતા છે ડૉ. રાણાસાહેબ અને અન્ય મિત્રો.
એક વાર અમે વિશ્વના મુખ્ય ધર્મો પર પ્રવચનો યોજવાનું નક્કી કર્યું. એમાં જૈન ધર્મ પર વક્તવ્ય રજૂ કરવાની પસંદગી ઉતારી શ્રી કુમારપાળ દેસાઈ પર. સમગ્ર નવરાત્રિ મહોત્સવના કાર્યક્રમનું સંકલન અને સંચાલન માટે સંભાળવાનું હોવાથી મેં તેમને પત્ર લખ્યો. તેમણે તરત આમંત્રણ સ્વીકાર્યું. થાન પધાર્યા. ડૉ. રાણાસાહેબના મહેમાન થયા. રાત્રે જૈન ધર્મ પર મનનીય પ્રવચન આપ્યું.
સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, સ્યાદ્વાદ, અનેકાંત વગેરે વિગતોને આવરી તેમણે ખૂબ જ સુંદર સરળ ભાષામાં છણાવટ કરી, શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા.
શાહબુદ્દીન રાઠોડ
265