________________
નેતા કે સરકારને ચોખ્ખું કહેવાનું હોય કે ચાબખા મારવાના હોય ત્યારે તેઓ એ કરી શકે છે. એમણે એમની કલમને કોઈ પણ રાજકીય પક્ષને સોંપી નથી. અને તેથી જ એમના અક્ષરો એ એમના હૃદયભાવનાઓની લિપિ સમાન છે. ઝવેરચંદ મેઘાણીએ પાળિયાઓને જીવતા કર્યા. સમાજની આવી કેટલીય વ્યક્તિઓનાં ચરિત્રો આલેખીને કુમારપાળે એ મૃત્યુ પામેલા કે વિસ્તૃત થયેલાઓને જીવંત કર્યા. એમનું હાસ્ય ભરેલું મુખ અને સામા માનવીને આત્મીય બનાવી દેવાની એમની તાકાત એ એમની આગવી કલા છે.
આમ જનતા કહે છે કે જાદુની દુનિયામાં કે. લાલ જેવો ઝડપી જાદુગર જગતમાં થયો નથી, પરંતુ કુમારપાળને જોઉં છું ત્યારે થાય છે કે અનેક જગ્યાએ ચાલતાં અનેક કામોને એ કઈ રીતે પહોંચી શકતા હશે. કૉલેજમાં વ્યાખ્યાન હોય, વિશ્વકોશનું કોઈ કામ હોય, બહારગામ જઈને વક્તવ્ય આપવાનું હોય કે પછી કૉલમ કે પુસ્તકનું લેખન હોય આ બધું એ કઈ રીતે કરી શકે છે તે મારે માટે રહસ્યરૂપ છે. એક એક પળને તે ઉપયોગમાં લે છે. ઉત્સાહ, ધગશ, આત્મવિશ્વાસ અને ખેલદિલી એમના જીવનમાં એવાં વણાઈ ગયાં છે કે જે ભાગ્યે જ કોઈ સાધુ કે સંતમાં જોવા પામીએ.
આટલી બધી સિદ્ધિ અને પ્રસિદ્ધિ મળી હોવા છતાં એમના વર્તનમાં ક્યારેય અહં કે આડંબર નથી. પોતે નાના છે તે રીતે હંમેશાં મારી સાથે વર્તે છે. એમના આ કાર્યમાં એમનાં પત્ની પ્રતિમાબહેનનો ઘણો મોટો ફાળો છે. એમનો ઉલ્લેખ ન કરું તો હું નગુણો ગણાઉં.
એક મોટા ભાઈ તરીકે એમની આ પ્રગતિ જોઈને અપાર આનંદ પામું છું.
[245 કે. લાલ