________________
પ્રકાશ ફેલાવતી
જીવનજ્યોત
ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક અને ઉમદા સર્જક એવાં શ્રી બાલાભાઈ દેસાઈ જયભિખ્ખના ઉચ્ચ સંસ્કારો અને અનન્ય સર્જનશીલતાને નસેનસમાં ઉતારી પુત્ર કુમારપાળ દેસાઈએ સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, રમતજગત તથા ધર્મદર્શન જેવાં વિવિધ ક્ષેત્રોમાં એકસાથે ખેડાણ કરી ગુજરાતી સાહિત્ય અને જૈન ધર્મને ઉત્કૃષ્ટ અને ચિરકાલીન સર્જનોનું પ્રદાન કર્યું છે. વિવિધ ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વકના સર્જન અને ધર્મસાહિત્ય તથા શિક્ષણને સમગ્ર જીવન સમર્પિત કરી દેનાર ડૉ. કુમારપાળ દેસાઈને ભારત સરકારે પદ્મશ્રી'નો ખિતાબ આપવાની ઘોષણા કરી એક નખશિખ સાહિત્યકારનું યથાયોગ્ય બહુમાન કર્યું છે ત્યારે સમગ્ર ગુજરાત અને ગુજરાતી સાહિત્યજગત માટે આ ગૌરવપ્રદ ઘટના છે.
એક જાગ્રત પત્રકાર તરીકેની ઓળખ તેઓની વિવિધ દૈનિકોમાં ચાલતી કૉલમ દ્વારા મળી રહી છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપનાકાળથી તેઓ ટ્રસ્ટી છે. વિશ્વકોશની રચનામાં અને સમગ્ર સંસ્થાના સંચાલનમાં મહત્ત્વપૂર્ણ હિસ્સો કુમારપાળભાઈનો રહ્યો છે. વિશ્વકોશના ભૂમિખંડ અને ૧ થી ૧૮ ગ્રંથો પ્રકાશિત થયા છે, તેમાં ડો. કુમારપાળ દેસાઈનું મહત્ત્વનું યોગદાન છે. સાહિત્ય ઉપરાંત રમતગમત, ધર્મદર્શન વગેરે વિષયોના વિશ્વકોશના સંપાદક તરીકે પોતાની કીમતી સેવા આપી રહ્યા છે.
પ્રવીણ પંજાબી
212