________________
પતંગિયું જેમ એક ફૂલ પરથી પરાગરજ, બીજા ફૂલ પર લઈ જાય અને બગીચાને સમૃદ્ધ કરે છે, તેમ શ્રી કુમારપાળ દેસાઈએ ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો દિવ્ય સંદેશ, અન્ય દેશો સુધી પહોંચાડી સંસ્કૃતિના સંવર્ધનનું પવિત્ર કાર્ય કર્યું છે. સ્વામી વિવેકાનંદનું મિશન સાચા અર્થમાં આગળ ધપાવવાનો સ્તુત્ય અને સમ્યફ પુરુષાર્થ કર્યો છે.
જાન્યુઆરી ૨૦૦૪માં કલ્પતરુ અધ્યાત્મ કેન્દ્ર, કરજણ (વડોદરા) મુકામે અમે જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરેલું ત્યારે કેટલીક કલાકો તેમની સાથે ગાળવાનો અવસર મળ્યો.
જ્ઞાનસત્રના વિભાગીય અધ્યક્ષ તરીકેનું કુમારપાળભાઈનું વક્તવ્ય સાંભળી ન્યાયશાસ્ત્રમાં આવતા ડેલી દીપક ન્યાયની વાતનું સ્મરણ થયું.
ડેલીના ઉંબરે રાખેલો દીપક ઘર અને બહાર આંગણામાં બંને જગ્યાએ અજવાળું પાથરે તેમ તેમનું વક્તવ્ય વિદ્વાનો, સાધકો અને જિજ્ઞાસુ જનસાધારણ શ્રોતાજનો બધાંને પ્રિય અને હૃદયસ્પર્શી બનેલું.
દેશનું ઉત્કૃષ્ટ સન્માન પદ્મશ્રી મેળવી એમણે સમગ્ર જિનશાસનનું ગૌરવ વધાર્યું છે.
તેમને તંદુરસ્ત સ્વસ્થ જીવનબળ મળતું રહે. પરિવાર-સ્વજનો અને મિત્રો સાથે આનંદસભર જીવનની ઉત્કૃષ્ટ ક્ષણો માણતા માણતા સાહિત્યશાસન અને શિક્ષણજગતની સેવા કરવાનું અખૂટ બળ મળે તેવી શુભ કામના !
210
ધર્મ અને સંસ્કૃતિના સંવર્ધક