________________
વીસમી સદીના ભારતના પ્રથમ પંક્તિના આધ્યાત્મિક જ્યોતિર્ધરોમાં જેમનું ગૌરવપૂર્ણ સ્થાન છે તેવા શ્રીમદ્ રાજચંદ્રજી સંતકોટિના મહાપુરુષ હતા. જીવનના પ્રારંભથી જ એમનામાં અધ્યાત્મલક્ષિતા હતી અને જેન ધર્મતત્ત્વની વિચારસરણીથી એમનું સમગ્ર ચિંતન રંગાયેલું હતું, આમ છતાં એમનામાં કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિક સંકીર્ણતા જોવા મળતી નથી. એમના તત્ત્વવિચાર વિશે જૈનદર્શનના સમર્થ દાર્શનિક પંડિતવર્ય શ્રી સુખલાલજી કહે છે, “બંગાળી, મરાઠી, હિન્દી અને ગુજરાતી આદિ પ્રાંતિક ભાષાઓ જેમાં ગૃહસ્થ કે ત્યાગી જનવિદ્વાન અને વિચારક વર્ગની લેખનપ્રવૃત્તિ થાય છે, તેમાંથી પ્રસિદ્ધ જૈન આચાર્ય આત્મારામજીની હિન્દી કૃતિઓને બાદ કરતાં એક ભાષામાં વીસમી શતાબ્દીમાં લખાયેલું એક પણ પુસ્તક મેં એવું નથી જોયું કે જેને શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણો સાથે ગંભીરતા, મધ્યસ્થતા અને મૌલિકતાની દૃષ્ટિએ અંશથી પણ સરખાવી શકાય. આમ વિશેષ કરીને જેન તત્ત્વજ્ઞાન અને ચારિત્રવિષયક ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ શ્રીમનાં લખાણોનું ભારે મૂલ્ય છે.”
આવું શ્રીમદ્જીનું સાહિત્ય ગુજરાતીમાં રચાયું હતું અને લાંબા સમયથી અમુક સીમાઓમાં સીમિત હતું. વળી સાંપ્રદાયિક પૂર્વગ્રહોને કારણે જનસમુદાયને શ્રીમદ્જી જેવા મહાપુરુષોની વિચારધારાથી વંચિત રાખવામાં આવતો હતો. પરિણામે જિનમાર્ગના રહસ્યને સ્વાનુભવ દ્વારા ઉદ્ઘાટિત કરનાર કરુણાવતાર, યુગપ્રધાન સંતપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને કવનથી ઘણો મોટો સમાજ અને ખાસ કરીને બહોળો જૈન સમુદાય લાંબા સમય સુધી અજ્ઞાત રહ્યો.
શ્રીમદ્ રાજચંદ્રજીને સાંસારિક કે ભૌતિક કોઈ મહત્ત્વાકાંક્ષા સ્પર્શી નહોતી અને આત્મખ્યાતિ અને શતાવધાન જેવી શક્તિના પ્રદર્શનથી પણ તેમણે દૂર રહેવાનું પસંદ કર્યું હતું એટલે તેઓના જીવનકાળ દરમિયાન તેઓનો તત્ત્વજ્ઞાનના સાહિત્યના પ્રસાર માટે કોઈ અવકાશ નહોતો. શ્રીમદ્ રાજચંદ્રજીના દેહવિલય બાદ શ્રીમદ્ રાજચંદ્રજી-નિર્દિષ્ટ વીતરાગ માર્ગના પ્રસાર અને સાધનાભક્તિ માટે અનેકવિધ સંસ્થાઓ અને આશ્રમો સ્થપાયાં તથા શ્રીમદ્જીનાં વચનામૃતો અને તેની સમજ આપતું ઘણું સાહિત્ય પ્રગટ પણ થયું છે, પરંતુ કુમારપાળભાઈના આ ક્ષેત્રે પદાર્પણથી નવી ક્ષિતિજો ખૂલી છે. એની સાનંદ નોંધ લેવી ઘટે.
બન્યું એવું કે શ્રીમદ્ રાજચંદ્રજીના દેહવિલયની શતાબ્દી નિમિત્તે જુદી જુદી સંસ્થાઓએ એનાં આયોજનો માટે કુમારપાળભાઈનો સંપર્ક સાધ્યો. વળી આ સમયે શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયેલાએ શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવનચરિત્ર આલેખવાનું નક્કી કર્યું અને તે કાર્ય ગુજરાતના સિદ્ધહસ્ત લેખક કુમારપાળ દેસાઈને સોંપ્યું. એમણે શ્રીમદ્ રાજચંદ્રજીના સમગ્ર સાહિત્યનું ગહનતાથી અધ્યયન કર્યું અને સમય જતાં એનાથી રંગાઈ પણ ગયા.
ડૉ. કુમારપાળ દેસાઈએ લખેલું મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર એ નામનું
200
બહુમૂલ્ય પ્રદાન