________________
પ્રગટ કર્યું. શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડળ તથા વિહારભવન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં ઘણાં વર્ષો સુધી મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્ વિશે પોતાનાં વ્યાખ્યાનોમાં જે જુદી જુદી નોંધો લખી હતી એ એકત્રિત કરી. ‘સત્યના પ્રયોગો'માંથી પણ ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રજી વિશે આલેખેલા પ્રકરણનો સમાવેશ કર્યો. સ્વયં ગાંધીજીએ શ્રીમદ્જીનાં સ્મરણો આલેખ્યાં હતાં, તે પણ સંગ્રહિત કર્યાં અને વિશેષ તો મહાત્મા ગાંધીજી ૫૨ જૈન ધર્મનો પ્રભાવ' એ નામે અત્યંત પ્રમાણભૂત સંશોધનલેખ લખ્યો.
આવા ડૉ. કુમારપાળ દેસાઈએ ઓહાયો રાજ્યના સિનસિનાટી શહેરમાં યોજાયેલા અમેરિકા અને કૅનેડાનાં તમામ જૈન સેન્ટરોના ફેડરેશન ‘જેના’માં પણ ‘A Journey From Ahimsa' વિષય ૫૨ના પોતાના વક્તવ્યમાં શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને તત્ત્વજ્ઞાન વિશે વક્તવ્ય આપ્યું હતું. આ વક્તવ્યની ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પુસ્તિકાઓ પ્રકાશિત થઈ. આ સમયે શ્રીમદ્જીના જીવનના એક જુદા જ પાસાને આંતરરાષ્ટ્રીય મંચ પર કુમારપાળભાઈએ રજૂ કર્યું અને સહુનું ધ્યાન ખેંચ્યું. એ પછી યુનાઇટેડ નેશન્સના ચેપલમાં જુદા જુદા ધર્મચિંતકોની ઉપસ્થિતિમાં એમણે અહિંસા વિશે વ્યાખ્યાન આપ્યું તેમાં મહાત્મા ગાંધીજીને કઈ રીતે શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી અહિંસા, સત્ય, ક્ષમા જેવી ભાવનાઓની પ્રાપ્તિ થઈ તે દર્શાવ્યું અને ગાંધીજીએ સક્રિય રીતે તે અહિંસા પ્રગટ કરીને વિશ્વને એક નવું દર્શન આપ્યું તેની ચર્ચા કરી. આ રીતે જુદા જુદા ધર્મના વિચારકો અને ચિંતકો સમક્ષ એમણે શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવન અને વિચારધારા દર્શાવ્યાં.
આમ, એક સમર્થ સાહિત્યકારની કલમે અને જૈનદર્શનના ચિંતકની વાણીથી આ તત્ત્વજ્ઞાનનો વ્યાપક પ્રસાર થઈ રહ્યો છે એ બાબત શ્રીમદ્ રાજચંદ્રજીની તત્ત્વધારા સાથે સંકળાયેલી સંસ્થાઓને સ્પર્શી ગઈ અને આથી અમદાવાદ, ઈડર, વડવા (ખંભાત), કોબા અને સાયલાની સંસ્થાઓએ કુમારપાળ દેસાઈનું આ કાર્ય માટે ‘પરમશ્રુત સેવા સુવર્ણચંદ્રક'થી અભિવાદન કર્યું. ૩૦મી મે ૨૦૦૪ના રોજ અમદાવાદના ભાઈકાકા ભવનમાં અગ્રણીઓ અને મુમુક્ષુઓની મોટી હાજરી વચ્ચે યોજાયેલા પરિસંવાદમાં અતિથિવિશેષ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ આ સુવર્ણચંદ્રક કુમારપાળભાઈને અર્પણ કર્યો અને વિવિધ સંસ્થાઓ દ્વારા પૂ. સંતશ્રી આત્માનંદજીના હસ્તે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે સહુએ એવી આશા પ્રગટ કરી હતી કે ડૉ. કુમારપાળ દેસાઈ પાસેથી શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને તત્ત્વજ્ઞાન વિશે સમાજને પુષ્કળ સામગ્રી મળે અને એ રીતે અનેક જીવોના કલ્યાણ માટે તેઓ નિમિત્ત બને.
202
બહુમૂલ્ય પ્રદાન