________________
કથાસૃષ્ટિ અને સર્જનાત્મક ગદ્યથી એ દૂર જ રહ્યા છે. ‘બાપ તેવા બેટા’ એ સર્વાંશે તો ન જ હોય ને! પણ જયભિખ્ખુંએ નહોતી કરી તે ક્રિકેટ-સમીક્ષા અને સાહિત્ય-સંશોધન-વિવેચન કુમારપાળે કર્યાં છે. કવિતા તો બાપ-દીકરાએ કોઈએ કરી નથી. હા, ક્યારેક કાવ્યાત્મક ગદ્ય આવે છે.
કુમારપાળે એક પ્રેમકાવ્ય કે ભજન પણ નથી લખ્યું, એ સાલે છે. પણ કદાચ એમને કવિતાવેડા પસંદ જ નહીં હોય. વ્યક્તિત્વ જ શિસ્તબદ્ધ વિદ્યાર્થી, અધ્યાપક અને સામાજિક માણસનું, તે એમને કવિતા, વાર્તા, નવલકથા, નાટકની દુનિયા સાથે કામ પાડવાનું ન ફાવે. એમણે મોટે ભાગે લલિતેતર સાહિત્યસ્વરૂપો સાથે કામ પાડ્યું છે, અને એમાં લાલિત્ય સંભર્યું છે. બાળ-પ્રૌઢ સાહિત્ય, ચરિત્ર, રેખાચિત્ર, ચિંતન વગેરેમાં સર્જનકલ્પ રસિકતા નિષ્પન્ન કરવી એ જેવુંતેવું કામ નથી.
એમણે સંશોધન-વિવેચનક્ષેત્રે જે કામ કર્યું છે તે નોંધપાત્ર છે. ‘આનંદઘન : એક અધ્યયન’ એ તો એમનો પીએચ.ડી.નો મહાનિબંધ. પણ એ ઉપરાંત પણ એમણે સંશોધનકાર્ય ચાલુ રાખ્યું છે. હમણાં એ વિદેશોમાં પડેલી ઢગલાબંધ ભારતીય હસ્તપ્રતોની યાદીનું ભગીરથકાર્ય કરી રહ્યા છે. અધ્યાપક અને તે પણ અભ્યાસી અધ્યાપક છે. એટલે તેમણે ‘શબ્દસંનિધિ’, ‘ભાવન-વિભાવન’ ને ‘શબ્દસમીપ’ જેવા વિવેચનસંગ્રહો આપ્યાં છે. પણ એ સાહિત્યમીમાંસક કે મોટા ગજાના વિવેચક નથી. એમના પીએચ.ડી.ના ગુરુ ડૉ. ધીરુભાઈ ઠાકરને એ પૂરા અનુસર્યા નથી. કુમારપાળ સ્વભાવે જ ‘વિવેચક’ ઓછા છે. બાકી એમણે ઢગલાબંધ સાહિત્યિક વ્યાખ્યાનો આપ્યાં છે અને અન્ય વિષયક લોકભોગ્ય રસિક વ્યાખ્યાનોના તો લોકપ્રિય વક્તા છે.
હા, કુમારપાળ એક સારા વ્યાખ્યાતા છે. વર્ગમાં એ ઉત્તમ વ્યાખ્યાતા છે, અને ખૂબ નિયમિત વ્યાખ્યાતા છે. એમનામાં ઊંચી કર્તવ્યનિષ્ઠા છે. એટલે કે અનેકવિધ પ્રવૃત્તિઓમાં ગળાબૂડ હોવા છતાં અધ્યાપક તરીકે કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવે છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને વિનયન વિદ્યાશાખાના ડીન થયા ત્યારે જ કહેતા હતા કે કંઈક સારું કામ કરવું છે, ને કરી રહ્યા છે. ગુજરાતી વિશ્વકોશનું સાફલ્ય પણ એમની કર્તવ્યનિષ્ઠાને કા૨ણે છે, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીની વિવિધ પ્રવૃત્તિઓના મૂળમાં કુમારપાળ પણ ખરા. ઉમાશંકર કહેતા હતા કે અમને આવા વિચારો જ નહોતા આવતા. એમની સંપાદન અંગેની અને સંસ્થા-સંચાલન અંગેની કામગીરી પણ નાનીસૂની નથી. જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ તો એ ચલાવે જ. અનેક ટ્રસ્ટોના એ ટ્રસ્ટી, મંત્રી અને હોદ્દેદાર. એ એક ‘ટ્રસ્ટવર્ધી ટ્રસ્ટી’ છે, ‘મહાજન’ની પરંપરાના માણસ છે.
કુમારપાળ પિતાશ્રી જયભિખ્ખુની ‘ઈંટ અને ઇમારત’ની કૉલમ તો ‘ગુજરાત સમાચાર’માં ઐતિહાસિક રીતે ચલાવી રહ્યા છે. એટલું જ નહિ, એ ‘ગુજરાત સમાચાર'માં સૌથી મોટા કૉલમિસ્ટ છે. છાપાં લેખકોને ખાઈ જાય છે કેટલીક વાર. પણ એમની લેખમાળાઓ પસ્તી થવાને
132
માનવતાના પ્રતિબદ્ધ સારસ્વત