________________
પછી તો કુમારપાળ Ph.D.ની પદવી હાંસલ કરી, શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરતા રહ્યા. નવગુજરાતમાંથી ગુજરાત યુનિવર્સિટીમાં જોડાયા. રીડર બન્યા. રીડરમાંથી પ્રોફેસર બન્યા. ભાષાભવનના અધ્યક્ષ બન્યા. “ડીનની ચૂંટણીમાં વિજયી બની ‘ડીન’નો ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કર્યો. થોડા થોડા દિવસે કુમારપાળને કોઈ ને કોઈ સિદ્ધિ હાંસલ કર્યા બદલ અભિનંદન આપવા ડાયલ ઘુમાવવું પડે. બહુમાનોની ફલશ્રુતિ રૂપે હોય એમ જૈનદર્શન, શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે કરેલા પ્રદાન બદલ ભારત સરકારે પદ્મશ્રી' જેવા ઇલકાબથી એમને નવાજ્યા.
ગુજરાતી સાહિત્યક્ષેત્રે પિતા-પુત્રની બે પેઢીઓ સાહિત્યના ઇતિહાસમાં નોંધાઈ છે. કવિશ્વર દલપતરામના દેહવિલય પછી કવીશ્વર હાનાલાલે અને મહિપતરામ રૂપરામ નીલકંઠ પછી રમણભાઈ નીલકંઠે સાહિત્યની ધુરા સંભાળી લીધી. આ પરંપરામાં ત્રીજી પેઢીનું ઉમેરણ કરવું પડે. જેમની એક નવલકથા “પ્રેમભક્ત કવિ જયદેવ' મને વિદ્યાર્થી અવસ્થામાં ખૂબ ગમી હતી એવા સુપ્રસિદ્ધ જીવનલક્ષી સાહિત્યકાર અને જૈન તત્ત્વજ્ઞાનના ચિંતક જયભિખ્ખના અવસાન પછી કુમારપાળે એમના સર્જનનું સાતત્ય સાધી લીધું. ગુજરાત સમાચારમાં લોકપ્રિય બનેલી કટાર ઈંટ અને ઇમારતની જવાબદારી કુમારપાળે ઉપાડી લીધી એની લોકપ્રિયતા હજુય અકબંધ રહી છે. આ ઉપરાંત ગુજરાત સમાચારમાં પ્રગટ થતી રમત-ગમત, અગમનિગમ, જૈનદર્શનને નિરૂપતી વિવિધ કટારોનું સર્જન કુમારપાળની કલમે થતું રહ્યું છે.
સાહિત્યક્ષેત્રે કટારલેખન ઉપરાંત જીવનલક્ષી બાલસાહિત્ય, ટૂંકીવાર્તાઓ, વિવેચન, સંશોધન, સંપાદન, પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર પુસ્તકોનું પ્રદાન કર્યું છે. સાહિત્ય સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દાઓ મળ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી, ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. હાલમાં ગુજરાત સાહિત્ય સભાના મંત્રી છે. ઉપરાંત ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું પ્લેટિનમ પૃષ્ઠ બની રહે એવા “વિશ્વકોશના મુખ્ય સંપાદક ડૉ. ધીરુભાઈ ઠાકરની નિશ્રામાં સહસંપાદક તરીકે જવાબદારીપૂર્ણ કાર્ય બજાવી રહ્યા છે.
સાહિત્ય અને સવિશેષ જૈનદર્શન પર વ્યાખ્યાનો આપવા વિદેશગમનના સંદર્ભમાં કુમારપાળને હું કહું છું ગુજરાતી સાહિત્યમાં વ્યાખ્યાનો માટે સૌથી વધુ વિદેશયાત્રા કરનાર કુમારપાળ હશે. હવે ક્યારે, કયા દેશની યાત્રા કરવી છે? કુમારપાળ અમદાવાદ પાછા ફરે ત્યારે આગામી વિદેશયાત્રાનું બુકિંગ થઈ જતું હોય છે.
કુમારપાળની વિદેશયાત્રાના અનુસંધાનમાં હું ઘણી વાર એમને ગંભીરતાથી કહું છું કુમારપાળ, તમે કરેલી વિદેશોની યાત્રા સ્થળનાં સંક્ષિપ્ત વર્ણન અને વ્યાખ્યાનોના સંક્ષિપ્ત સારને આલેખતા પુસ્તકનું સંપાદન થાય તો એક વિશિષ્ટ પ્રકારનું પુસ્તક સાહિત્યને પ્રાપ્ત થાય. હું એનું સંપાદન કરવા તૈયાર છું.' કુમારપાળ ભલે મારી વાતને હળવાશથી લે પણ હું ફરીથી
80 પ્રગતિની વણથંભી કૂચ