________________
દેસાઈ. આટઆટલી સિદ્ધિઓ અને જ્વલંત કીર્તિ કુમારપાળ દેસાઈના અભિજાત અને સરળ વ્યક્તિત્વને સહેજે અળપાવી શકી નથી.
કુમારપાળ દેસાઈને મેં હમેશાં “કુમારભાઈ' તરીકે જ જોયા છે. પચ્ચીસ-સત્તાવીસ વરસનો મારો એમની સાથેનો અંગત પરિચય હશે. પણ આરંભથી આજ સુધી હું એમને કુમારભાઈના રૂપે જ મળ્યો છે. જ્યારે જ્યારે એમને મળ્યો છું કે ફોન પર એમની સાથે વાત કરી છે ત્યારે હું અનેક છોગાંધારી વ્યક્તિને નહિ પણ એક સરળ વ્યક્તિને મળું છું કે સાંભળું છું એવું લાગ્યું છે.
કુમારભાઈને મેં એમની કુમારાવસ્થામાં નથી જોયા. પણ યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધ' શબ્દ તો એમની સાથે ક્યારેય બંધબેસતો નહિ લાગે, એટલે વૃદ્ધાવસ્થામાં એમ નહિ કહું, પણ સાઠી વટાવી ગયેલી ઉંમરે પણ જોયા છે. પણ આ બધાં વર્ષોમાં એ ચિરયુવાન જ લાગ્યા છે. (કુમારાવસ્થામાં જોયા હોત તો કદાચ “ચિરકુમાર’ લાગ્યા હોત !) ઇન્સર્ટેડ પેન્ટવાળો સુઘડ પોશાક, એક પણ વાળ સહેજે ચસી ન શકે એ રીતે ચિપકાવીને ઓળેલા વાળ, સાંવલો ચહેરો, એના પર છલકતું પ્રસન્ન માધુર્ય, સામી વ્યક્તિ માટેના ઉમળકાથી ઊભરાતી મિષ્ટ અને મિત વાણી, હાથ મેળવે ત્યારે અનુભવાતી ઉષ્મા – આ બધું એટલે કુમારભાઈ. પીતાંબર વિષ્ણુને પોતાની કન્યા આપી અને દિગંબર શિવને વિષ આપ્યું – એવા પોશાક પરથી સામા માણસનું મૂલ્યાંકન કરનારાઓમાંનો હું એક નથી, તેમ છતાં સુઘડ પોશાક પહેરનારાંઓ મને ગમે છે. એ સુઘડ પોશાકને કારણે પ્રગટતા બાહ્ય આભિજાત્ય અને આંતર આભિજાત્યનો સુમેળ જેમનામાં જોવા મળે છે એવી વ્યક્તિઓથી હું જિતાઈ જાઉં છું. કુમારભાઈ આવી બાહ્યાન્તર આભિજાત્યવાળી વ્યક્તિ છે. આ કારણે કુમારભાઈ માટે મને આદર છે, પણ એ કોરો આદર નથી. એ આદર મારા અંતરના પ્રેમથી ભીંજાયેલો છે.
સાચું કહું તો, કોઈની પાસે અઢળક સંપત્તિ હોય કે અમર્યાદિત સત્તા હોય, કોઈની કીર્તિનો કળશ છલક છલક થતો હોય – હું એમનાથી બહુ પ્રભાવિત થતો નથી. કોઈની અસાધારણ વિદ્વત્તા માટે મને આદર થાય છે. કોઈની અસાધારણ સર્જકતા મનને પ્રસન્ન કરે છે, પણ હું નમી પડું છું કેવળ વ્યક્તિની સરળતાને ! “નરી સરલતા કોણ પૂજશે?’ એમ ન્હાનાલાલે ભલે કહ્યું, હું નરી સરલતાનો પરમ પૂજક છું – માત્ર પૂજક જ નહિ, આશક છું. ગમે તે ગુણનો ઢોંગ રચી શકાય, કેટલાક ગુણોનો ઢોંગ લાંબો સમય ટકાવી શકાય, પણ સરળતાનો ઢોંગ થઈ શકતો નથી. અંદર ટીપુંય ન હોય તોય આંખો આંસુથી છલકાવી દઈ શકાય, અંદર પ્રસન્નતાનો છાંટોય ન હોય તોય હોઠ પર હાસ્ય લાવી શકાય. પણ અંદર ન હોય તો ચહેરા પર સરળતા દેખાડવાનું ઘણું અઘરું છે ને દેખાડી શકાય તો ઝાઝી વાર ટકાવવાનું તો લગભગ અશક્ય છે. કુમારભાઈને હું ચાહું છું એમની નિર્વ્યાજ સરળતાને કારણે. બહુ ઓછા માણસોમાં આવી સરળતા મેં જોઈ છે. અને આ
95
રતિલાલ બોરીસાગર