________________
સરળતા કુમારભાઈના લોહીનો ગુણ હોવાને કારણે વિદ્વત્તા, પદ, પ્રતિષ્ઠા – કશું જ આ સરળતાને ક્ષત-વિક્ષત કરી શક્યું નથી.
સોનામાં સુગંધ સંભવી શકે કે નહિ તે હું જાણતો નથી, પણ કુમારભાઈની સોના જેવી સરળતામાં સંનિષ્ઠાની સુગંધ એકરસ થઈને ભળેલી છે તે મેં અનુભવ્યું છે. કુમારભાઈ જે કંઈ કરે તે પૂરી નિષ્ઠાથી કરે જે કંઈ લખે પૂરી નિષ્ઠાથી લખે વ્યાખ્યાન કરવાનું હોય ત્યારે પૂરી નિષ્ઠાથી હોમવર્ક કરે. ગુજરાત સમાચારની એમની અત્યંત લોકપ્રિય કૉલમ ઇંટ અને ઇમારત એમને મળી હોય ભલે પિતાના વારસા રૂપે, પણ એ કૉલમ અધિક દીપી ઊઠી તે એમની પોતાની સંનિષ્ઠાને બળે. કુમારભાઈ “વિશ્વકોશ' જેવું ગંજાવર કામ લઈને બેઠેલી સંસ્થા માટે જે નિષ્ઠાથી કામ કરે એ જ નિષ્ઠાથી કોઈ નાની સંસ્થા માટે પણ કામ કરે દિલ્હી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાત સાહિત્ય અકાદમી જેવી રાષ્ટ્રવ્યાપી-રાજ્યવ્યાપી સંસ્થાઓને ઉપક્રમે યોજાયેલા વ્યાખ્યાન માટે જે ગંભીરતાથી હોમવર્ક કરે એવી જ ગંભીરતાથી કોઈ અનૌપચારિક સમારંભ માટે પણ હોમવર્ક કરે, અરે, કોઈ સમારંભનું સંચાલન કરવાનું હોય તોય પૂરી તૈયારી કરીને જ એ આવ્યા હોય એવું એમનું વ્યક્તિત્વ સુઘડ એવું એમનું પ્રત્યેક કામ પણ સુઘડ!
કુમારભાઈને પદ્મશ્રીનો ઇલકાબ મળ્યો એ નિમિત્તે મારાં અભિનંદનો ઉમેરતાં મને ઘણો આનંદ થાય છે.
96 થોડું અંગત અંગત