________________
પરાજયની ચિંતા સેવતો નથી કારણ કે પ્રતિકૂળને સાનુકૂળ બનાવવાની એનામાં કર્મપૂત દૃષ્ટિ હોય છે.
ડૉ. કુમારપાળે પોતાની વિકાસ-ઇમારત પ્રસ્વેદથી ઘડેલી અને સ્વાનુભવના નિભાડામાં પકવેલી ઈંટોની સુચારુ ગોઠવણથી ચણી છે. તેઓ ક્ષણના સોદાગર છે. ક્ષણને એળે ન જવા દેવી એ એમનું વ્રત છે. એટલે તો નવગુજરાત આર્ટ્સ કૉલેજથી સારસ્વત કર્મ આરંભી ગુજરાત યુનિવર્સિટી ભાષાભવનમાં ગુજરાતી વિભાગના અધ્યાપક, રીડર, પ્રોફેસર અને અધ્યક્ષપદને શોભાવી શક્યા. ભાષાભવનનો જ્ઞાનયજ્ઞ એમને ફળ્યો છે અને આ ફેકલ્ટીના ડીન અને ભવનના અધ્યક્ષ બન્ને જવાબદારીઓ અદા કરવાનો તેમના જીવનમાં સુવર્ણસુરભિ યોગ સધાયો છે.
ડૉ. દેસાઈમાં અજબ-ગજબની આયોજનશક્તિ છે. કાર્યક્રમનું આયોજન ઝીણવટપૂર્વક કરવું અને એને સાંગોપાંગ પાર પાડવું એ એમને સિદ્ધહસ્ત છે. કાર્યક્રમ જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્વ. જયભિખુ સ્મૃતિ વ્યાખ્યાનનો હોય કે ગુજરાત સાહિત્ય પરિષદ, અકાદમીના કાર્યક્રમો હોય. મંત્રી, ઉપપ્રમુખ તરીકે સઘળા કાર્યક્રમો એમણે સફળતાપૂર્વક સમ્પન્ન કર્યા છે.
કુમારપાળભાઈ મનુષ્યપારખુ પણ ખરા અને શ્રોતાપારખુ પણ ! એમની દૃષ્ટાન્તસમૃદ્ધ અસ્મલિત વાણી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે છે. એમાં હાસ્ય, વ્યંગ્ય અને વક્રોક્તિ સહજ રીતે આવ્યા કરે ! બોધ પણ પ્રબોધ રીતે પચી જાય ! એટલે તો અમેરિકા, યુ.કે, આફ્રિકા, સિંગાપુર એમને પર્યુષણ વ્યાખ્યાન માટે પ્રતિવર્ષ યાદ કરે છે.
પત્રકારત્વના એ ભેખધારી છે. પત્રકારત્વના શિક્ષણ સાથે સાડાત્રણ દાયકાથી પણ વધુ સમયથી તેઓ સંકળાયેલા છે. ઈટ અને ઇમારત'લક્ષી હોય કે “ઝાકળ બન્યું મોતી', ‘આકાશની ઓળખ' હોય – એમની વિદ્વત્તા અને ચિંતનનાં અત્ર-તત્ર-સર્વત્ર દર્શન થયાં. “રમત-ગમતની એમની કૉલમે માત્ર રમતસમીક્ષા જ નથી કરી, અનેક રમતવીરો રમતસમીક્ષકોને પ્રેરણા-પાથેય પૂરું પાડ્યું છે. સંશોધક-પ્રાધ્યાપક તરીકે એમના માર્ગદર્શન હેઠળ અનેક શોધાર્થીઓ પીએચ.ડી. થયા છે.
બાળસાહિત્ય, પ્રોઢ સાહિત્ય, પત્રકારત્વ, ચરિત્રસાહિત્ય, નવલિકા, સમીક્ષાનાં સંખ્યાબંધ પુસ્તકો એમની કલમ દ્વારા આપણને પ્રાપ્ત થયાં છે. એમનું સંશોધનકાર્ય “આનંદઘન : એક અધ્યયનથી અટક્યું નથી, અધ્યાપનની સાથે સંશોધનદીપ પણ સતત અજવાળાં પાથરતો રહ્યો છે. એની શાખ ગુજરાત યુનિવર્સિટી પ્રદત્ત ડૉ. કે. જી. નાયક સંશોધન ચંદ્રક પૂરે છે. “મહાવીરનું જીવનદર્શન’ એમની લેખન અને પ્રકાશનદૃષ્ટિનો અપ્રતિમ નમૂનો છે. જૈન ધર્મના ઊંડા અભ્યાસે
101 ચંદ્રકાન્ત મહેતા