________________
કુમારપાળભાઈ મતમતાંતર, સાંપ્રદાયિકતા, સંકુચિતતા અને ગઠબંધનથી સદા દૂર રહ્યા છે. એમના કોઈ પણ પુસ્તક કે પ્રવચનોમાં કે અંગત વાતચીતમાં ક્યારેય પણ સંકુચિતતા કે સાંપ્રદાયિકતા દેખાતી નથી. એમના ચિંતનમાંથી હંમેશા વિચારોની વિશાળતા અને ઉદારતા ઊભરાતી હોય છે. એમના જીવનમાં કથની અને કરણીનો દુર્લભ અને વિરલ સુમેળ ઝળકતો હોય છે.
ગુજરાતી ભાષા, સાહિત્ય અને પત્રકારત્વમાં કુમારપાળભાઈનું નામ અગ્રેસર છે જ, સાથે સાથે જૈન સાહિત્યકાર, સંશોધક, વિદ્વાન અને ચિંતક તરીકે પણ એમનું સ્થાન ટોચનું છે. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી અને પંડિત દલસુખભાઈ માલવણિયાના પ્રત્યક્ષ આશીર્વાદ પામેલા કુમારપાળભાઈ ગૌરવવંતું સ્થાન શોભાવી રહ્યા છે. આ બંને મહાનુભાવોએ જૈન આગમ અને દર્શનના અભ્યાસને સાધુ-સાધ્વીજીઓના સ્વાધ્યાય ખંડથી આગળ વધારીને મહાવિદ્યાલય અને યુનિવર્સિટીના અભ્યાસખંડ સુધી વિસ્તાર્યા હતા. કુમારપાળભાઈએ આ વિષયોને વિદ્વાનોની પરિધિમાંથી અને હસ્તપ્રતના ભંડારોમાંથી બહાર લાવીને લોકભોગ્ય બનાવ્યા અને જન-જનનાં હૈયાં સુધી પહોંચાડ્યા છે.
કુમારપાળભાઈએ તેમની મૃદુતા, ઋજુતા, નિસ્પૃહતા, સૌહાર્દપૂર્ણ સૌમ્ય વાણી અને વર્તનથી વિદ્વાનો અને શ્રેષ્ઠીઓ, સાહિત્યકારો અને સાહિત્યરસિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેળવણીકારો – એમ સમાજના દરેક સ્તરની ચાહના મેળવી છે. ચારે તરફથી હૂંફાળો આવકાર અને સદ્ભાવ મેળવવાનું વિરલ સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું છે. ચંદ્રકો અને માનપત્રો સ્વતઃ એમની પાસે આવતાં રહ્યાં છે. આચાર્ય મહાપ્રજ્ઞજીએ કહ્યું છે કે કુમારપાળભાઈનું સન્માન કરવાથી સંસ્થાનું ગૌરવ વધે છે. ક્યારેક કોઈ સંસ્થા કોઈ અગમ્ય કારણો કે દબાણવશ ભૂલથાપ ખાઈ જાય તો કુમારપાળભાઈ સાહજિકતા અને સમભાવથી વાતને વિસારે પાડી દે છે. એમની પ્રસન્નતામાં કોઈ ઓટ આવતી નથી. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો તેમના જીવનમાં પ્રતિક્ષણ પ્રતિબિંબિત થતાં રહે છે. ધર્મનાં તત્ત્વોને એમણે સાચા અર્થમાં જીવનમાં ઉતાર્યા છે. ક્ષમાપના અને પ્રતિક્રમણ એમને માટે કોઈ પરંપરા કે રૂઢિગત ક્રિયાકાંડ નથી, પણ શ્વાસોચ્છવાસ જેમ જીવનમાં અંતરંગ વણાયેલા છે. એમનાં વાણી અને વર્તનમાં સચ્ચાઈનો રણકાર છે. હૃદય કહે તેમ જ કરવું અને અંતરાત્માના અવાજને વાચા આપવી એમને માટે સહજ છે. એમની દૃષ્ટિએ સત્ય અને મૃદુતાના સંમિશ્રણમાંથી જ સાચી ક્ષમાપના જન્મે છે. કુમારપાળભાઈના વ્યક્તિત્વમાં જે નિસ્પૃહતા, સરળતા, પરિસ્થિતિનો સાહજિક સ્વીકાર ઇત્યાદિ ગુણો જોવા મળે છે તે એમની ક્ષમાપનાના આગવા અભિગમમાંથી વિકસ્યા છે અને આત્મસાત્ થયા છે.
આટલી બધી સિદ્ધિઓ પામતાં પહેલાં કુમારપાળભાઈએ કેટલાં અને કેવાં સ્વપ્ન જોયાં
ii3 હર્ષદ દોશી