________________
પારિતોષિકો કુમારપાળ મેળવી લાવ્યા છે. ગુજરાતમાં અહિંસા વિશ્વવિદ્યાલયનું જે વાતાવરણ રચાયું છે તેમાં પણ કુમારપાળ જ અગ્રે છે.
કુમારપાળની આવી અનેક પ્રવૃત્તિઓમાં વિશ્વકોશની પ્રવૃત્તિ પણ એક છે. ડો. ઠાકરસાહેબની ઘણી મૂંઝવણોને તે સહજમાં દૂર કરી આપે છે. તે કોશમાં નિયમિત જાય છે, પીઠમર્દ તરીકે મદદ કરે છે અને વિશ્વકોશની પ્રવૃત્તિને ગતિશીલ રાખે છે. કુમારપાળ અમદાવાદ અને અમદાવાદ બહારની સાહિત્ય અને સાહિત્યેતર ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે એમ હું જાણું છું. છતાં કુમારપાળને રૂબરૂ મળીએ ત્યારે અથવા ફોન ઉપર મળીએ ત્યારે ક્યાંય કશો ભાર નહિ, ક્યાંય પેલું ‘હું પણું નહિ, ક્યાંય પદ-પ્રતિષ્ઠાની શેખી નહિ. બધી વખતે તે નર્યા નિર્ભર લાગે, હસતા, હળવા લાગે. કુમારપાળની ખરી ઓળખ તેમની આવી સુજનતા છે. પરપ્રાન્ત કે કોઈ વિદેશી મને જો પૂછે કે ગુજરાતી સજ્જનતા કેવી હોઈ શકે તો તેનો હું ઉત્તર આપવાને બદલે એમ કહું કે – કુમારપાળને મળો. ગુજરાતી સજ્જનતાનું એ સાકાર રૂ૫ છે.
પણ કુમારપાળ માત્ર “ગુજરાતી છે એવી ઓળખ પણ એક તબક્કે અધૂરી લાગે. એ ગુજરાતી રહીને ભારતીય બન્યા છે. તેમના સર્જનમાં અને તેમનાં વક્તવ્યોમાં તેથી જ ભારતીય સંસ્કૃતિના વિશેષ પ્રગટ થતા રહ્યા છે. શિકાગો અને કેપટાઉનમાં યોજાયેલી પરિષદોમાં તેમણે ભારતીયને શોભે તેવી ધર્મ-સંસ્કૃતિની ચર્ચા કરી છે. ઘરઆંગણે અનેક પ્રવૃત્તિઓ વચ્ચે પણ ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી', ‘ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં તેઓ ધ્યાનાર્હ કામગીરી કરી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનના અધ્યક્ષની સાથે ગુજરાત યુનિવર્સિટીના વિનયન શાખાના ડીન તરીકે પણ તેઓની સરાહનીય કામગીરી રહી છે. આવી પ્રવૃત્તિનિરત કારકિર્દીને જોતાં કુમારપાળ પ્રવૃત્તિને નહિ, પ્રવૃત્તિ કુમારપાળને ખોળતી આવતી હોય તેવું લાગે.
કુમારપાળને ધનજી કાનજી સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે મેં એ ચંદ્રક મને મળ્યો હોય એવી પ્રસન્નતા પ્રકટ કરી હતી. હવે રાષ્ટ્ર સ્તરે કુમારપાળના ગુજરાતી સાહિત્ય, શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રદાનનું મૂલ્ય અંકાયું છે અને તે સંદર્ભે તેમને પદ્મશ્રીનો ગૌરવવંતો એવોર્ડ એનાયત થયો છે ત્યારે હું સૂક્ષ્મ આનંદનો અનુભવ કરી રહ્યો છું. કુમારપાળ વિશે મેં એક વાર શુભ કામનાઓ પ્રકટ કરી હતી ને કહ્યું હતું કે “મેં “મારા' કુમારપાળ વિશે વાત કરી, હું જાણું છું તમારે પણ તમારા કુમારપાળ છે. કુમારપાળ એમ વિવર્તાતા રહે છે, વિવર્તાતા રહો...... ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનથી ભુવન સુધી !” – મારા એ શબ્દો આજે સાચા પડ્યા છે તેનો મને અઢળક આનંદ છે. ગુજરાતની સીમાઓની બહાર પણ તેઓ ગુજરાતને અને એની સૂક્ષ્મ ચેતનાને લઈ જઈ શક્યા છે એ માટે તેઓ સૌના અભિનંદનના અધિકારી બન્યા છે.
86
મારા કુમારપાળ